વડોદરા

નવજાત બાળકીને અન્ય મહિલાને સોંપી રિક્ષામાંથી દુકાનમાં ચીજવસ્તુઓ લેવા ગયેલી માતાએ અડધો કિ.મી.ની દોટ લગાવીને રિક્ષામાં બાળકીનું અપહરણ કરીને ભાગતી મહિલાને ઝડપી પાડી હતી. અજાણી મહિલા નવજાત બાળકીને લઈને રિક્ષામાં ભાગતાં માતાએ બૂમરાણ મચાવી એક્ટિવાસવારની મદદથી ઝડપી પાડી પાણીગેટ પોલીસ મથકને હવાલે કરી હતી.

શહેરના સોમા તળાવ દંતેશ્વર બ્રિજની બાજુમાં આવેલ ફળિયામાં રહેતા કલ્પનાબેન સુરેશભાઈ રાજપૂત કડિયા કામ કરે છે. કલ્પનાબેન પતિ અને માતા સાથે રહે છે. ગત તા.ર૦મી નવેમ્બર, ર૦ના રોજ પ્રસવની પીડા ઉપડતાં તેણીને હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, જ્યાં રર નવેમ્બરના રોજ વહેલી સવારે ૬ વાગે તેણીએ બાળકીને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ સારવાર માટે તેણીને હોસ્પિટલમાં રાખવામાં આવી હતી. તા.ર૪ નવેમ્બરના રોજ સાંજે ૪ વાગે કલ્પનાબેનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારે કલ્પનાબેન અને તેમની માતા બીજા ઘરે આવી અને કપડાં લેવા ગયેલા પતિની રાહ જાેતાં હોસ્પિટલ બહાર બાંકડા પર બેઠાં હતાં. પતિના આવ્યા બાદ સોમ તળાવ જવા રિક્ષાચાલક સાથે ભાડું નક્કી કરી કલ્પનાબેન પરિવાર સાથે રિક્ષામાં બેઠાં હતાં ત્યારે અન્ય મહિલા ત્યાં આવી પહોંચી હતી અને મારે કપૂરાઈ જવું છે તેમ જણાવ્યું હતું.

દરમિયાન સુરેશભાઈએ મારી પત્નીને દુઃખાવો થાય છે તું પહેલાં અમને છોડી દે તેમ રિક્ષાચાલકને કહ્યું હતું. ત્યારે અજાણી મહિલાએ તમારું ભાડું પણ હું આપી દઈશ તેમ કહી રિક્ષામાં બેસી ગઈ હતી. ત્યાર બાદ રિક્ષાચાલકે કલ્પનાબેનને પરિવાર સાથે તેમના ઘરે ઉતારતાં અજાણી મહિલા રિક્ષામાં આગળ નીકળી ગઈ હતી. બુધવારે સવારે તેમના પતિ સુરેશભાઈ મજૂરીકામ માટે ગયા હતા અને ઘરમાં કલ્પનાબેન, બાળકી અને માતા હાજર હતાં અને હું ઘણાં બધાંને મદદ કરું છું, તમે લોકો ગરીબ છો, હું તમને અનાજ, કપડાં વગેરે લાવી આપું, તું આ બાળકીને લઈને મારી સાથે ચાલ... તેમ જણાવતાં કલ્પનાબેને સાથે આવવાનો ઈન્કાર કર્યો હતો.

વારંવાર મનાઈ ફરમાવવા છતાં અજાણી મહિલાએ તું મારી સાથે ચાલ તેવું રટણ ચાલુ રાખ્યું હતું જેથી કલ્પનાબેન માતાને અને બાળકીને સાથે લઈ અજાણી મહિલા સાથે જવા તૈયાર થઈ હતી. મહિલા તેમને રિક્ષામાં બેસાડીને મંગળ બજાર ખાતે લઈ ગઈ હતી. ત્યાં મહિલાએ કલ્પનાબેનને સાડી અને બાળકી માટે કપડાં ખરીદી આપ્યાં હતાં. તે પછી કલાદર્શન ચાર રસ્તા પાસેથી મેડિકલ સ્ટોરની સામે રિક્ષા ઊભી રાખી કલ્પનાબેનને રૂા.પ૦૦ આપી બાળકી માટે જાેન્સન બેબી પાઉડર અને સાબુની ખરીદી કરવા મોકલી આપી હતી. કલ્પનાબેન બાળકીને માતાને સોંપી મેડિકલ સ્ટોરમાં ગઈ હતી તે વખતે પાછળ વળીને જાેતાં માતા પણ મેડિકલ સ્ટોરમાં જાેવા મળી હતી. કલ્પનાબેને તરત જ માતાને બાળકી વિશે પૂછતાં મહિલાએ મધ લેવા મોકલી હોવાનું જણાવ્યું હતું.

દરમિયાન પાછળથી રિક્ષા ચાલુ થવાનો અવાજ આવતાં કલ્પનાબેને દોટ મૂકી હતી. કલ્પનાબેન રિક્ષા પાસે પહોંચે તે પહેલાં મહિલાએ રિક્ષા ચાલુ કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. રિક્ષા પાછળ કલ્પનાબેને દોટ મૂકી હતી. દરમિયાન કલ્પનાબેને નજીકમાંથી પસાર થતા એક્ટિવાચાલકને મારી બાળકીને પેલો રિક્ષાવાળો લઈને ભાગ્યો છે તેમ કહેતાં એક્ટિવાચાલકે રિક્ષાનો પીછો કર્યો હતો અને રિક્ષાને રોકી હતી. ત્યાર બાદ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પોલીસે અજાણી મહિલાની ધરપકડ કરી પૂછપરછ કરતાં તેણીએ પોતાનું નામ નામ બિસ્મીલ્લા ખાન મકબુલખાન પઠાણ (રહે. જાદવપાર્ક સોસાયટી, ન્યુ સમા રોડ) જણાવ્યું હતું. આ સમગ્ર મામલે પોલીસે બિસ્મીલ્લાખાન વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.