નડિયાદ : સમગ્ર રાજ્યની પાલિકા-પંચાયતની ચૂંટણી સાથે આજે ખેડા જિલ્લાની ૫ નગરપાલિકા અને ૮ તાલુકા પંચાયત માટે મતદાન થયું હતું. મતદાનને લઈ વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહ જાેવાં મળ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેંદ્રીય મંત્રી દિનશા પટેલે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. શહેરની શાળા નંબર ૧માં મતદાન કરવા પહોંચ્યા હતા. મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ પણ પત્ની સાથે નડિયાદના લાયન્સ હોલ ખાતે મતદાન કર્યું હતું. આ ઉપરાંત સાંસદ દેવુસિંહ ચૌહાણે પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

નડિયાદ શહેરમાં સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. બપોર સુધી સરેરાશ ૨૦ ટકા જેટલું મતદાન થયું હતું. શહેરના વોર્ડ નંબર ૧૨માં મોટા મહાદેવ પાસે આવેલાં શિવ વાટિકામાં મશીન ખોટકાતાં મતદાન મથક બહાર મતદારોની ભીડ થઈ હતી. જાેકે, બાદમાં ઇવીએમ રિપેર કરી લેવામાં આવ્યું હતું. ખેડા જિલ્લામાં આજે કુલ ૫ નગરપાલિકા અને ૮ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. ૫ નગરપાલિકામાં કુલ ૩૭૪ ઉમેદવારો અને ૮ તાલુકા પંચાયતમાં ૪૦૧ મતદારો ચૂંટણી મેદાનમાં છે. આજે તમામ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયાં હતાં. તમામના ભાવિનો મંગળવારે ફેંસલો થશે.

મતદાનની પૂર્વ રાત્રે આખડોલમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તા બાખડ્યાં

મતદાનની આગલી રાતે નડિયાદના આખડોલમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બોલાચાલી થતાં મામલો બિચક્યો હતો. આ બનાવમાં બે વ્યક્તિઓ ઘવાયા હતા. નડિયાદ તાલુકાના આખડોલમાં શનિવારની રાત્રે ભાજપ પક્ષના અને કોંગ્રેસ પક્ષના કાર્યકરો વચ્ચે કોઈ બાબતને લઈ બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં મારામારીમાં પરિણમી હતી, જેમાં બે વ્યક્તિને ગંભીર ઈજાઓ થતાં તેઓને સારવાર અર્થે ખસેડાયા છે. આ બનાવની જાણ પોલીસને થતાં મોડી રાત્રે નડિયાદ ગ્રામ્ય પોલીસ અને પશ્ચિમ પોલીસનો કાફલો બનાવ સ્થળે પહોંચી મામલાને થાળે પાડ્યો હતો.