ગાંધીનગર-

ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીઓમાં મહિલાઓના પ્રતિનિધિત્વમાં વધારો થશે. ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને મુખ્ય પક્ષો આગામી ચૂંટણીમાં મહિલાઓને મોટા પ્રમાણમાં ટિકિટો આપવા જઇ રહ્યાં છે. પ્રાપ્ત જાણકારી અનુસાર બન્ને પક્ષો લગભગ ૪૦ ટકા બેઠકો પર મહિલાઓને આ વખતે તક આપવાનું વિચારી રહ્યાં છે. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી આ વખતે નવા ચહેરાઓને ભરપૂર તક આપવા માંગે છે, અને તેમાંય મહિલાઓને સારું એવું પ્રાધાન્ય મળશે. શહેરી વિસ્તારોમાં ભાજપ ૪૦ ટકા જેટલી બેઠકો પર જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ૨૫થી ૩૦ ટકા બેઠકો પર મહિલાઓને ઉમેદવારી કરાવશે.

ઉત્તર પ્રદેશમાં જે રીતે ૪૦ ટકા મહિલાઓને તક આપવાનું પ્રિયંકા ગાંધીએ જણાવ્યું છે, તે જ તર્જ પર ગુજરાતમાં પણ મહિલાઓને ૪૦ ટકા જેટલી બેઠકો પર ઉમેદવારી કરાવવાનો હાઇ કમાન્ડનો વિચાર છે. આમ જાેવા જઇએ તો બન્ને પક્ષો ૭૦ જેટલી બેઠકો પર મહિલા ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે. હાર-જીતના ગણિતને જાેઇને ઘણીવાર રાજકીય પક્ષો મહિલા ઉમેદવારને મેદાને ઉતારતા પાછીપાની કરે છે, પરંતુ આ વખતે તેવી સ્થિતિ ઊભી થવાને બદલે મહિલા ઉમેદવારોને સશક્ત ગણીને જ તક અપાશે.