લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, એપ્રીલ 2026 |
સુરત |
2277
સ્પેશિયલ ઓપરેશન ગૃપ પાસે મળતી માહિતી અનુસાર આસિ. સબ ઇન્સપેક્ટર યુવરાજસિંહ સામંતસિંહને ખોટા ડ્રાઇવિંગ લાયસન્સ બનાવટી ટોળકી અંગે બાતમી મળી હતી. જેના આધારે પીએસાઇ સરવૈયાએ સ્ટાફનાં જીતેન્દ્રસિંહ, હર્ષદભાઇ વિગેરે સાથે કાપોદ્રામાં રાજ ગાર્ડન સામે, હળપતિવાસના નાકે વોચ ગોઠવી ચાર યુવકોને અટકાયતમાં લીધા હતાં. જેમાં પ્રજેશ ઉર્ફે રઘુ જગદીશભાઇ માણીયા (રહે, સાગર રો-હાઉસ, લજામણી ચોક પાસે, મોટા વરાછા, ઉત્રાણ. વતન- મોખડકા તા. પાલીતાણા જી.ભાવનગર) પાસે મોબાઇલ અને આરટીઓના ૧૩ ર્લનિંગ લાયસન્સ મળ્યા હતાં.
ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ વિઠ્ઠલભાઈ શેખડીયા (રહે, તાપી દર્શન સોસાયટી વિભાગ-૦૨, નાના વરાછા, કાપોદ્રા. વતન- ભયાણીની વાડી, ગઢેચી વડલા, ભાવનગર) પાસે મોબાઇલ, પ્રફુલ રવજીભાઇ ગજેરા ઉર્ફે આરટીઓ વિપુલ પટેલ (રહે, શ્રીજી કોમ્પલેક્ષ, દાદા ભગવાનના મંદિર પાસે, નનસાડ રોડ તા.કામરેજ. વતન- સનાળી તા.બગસરા જી.અમરેલી) પાસે મોબાઇલ, રવિ જેઠાભાઇ ગાંગડીયા (રહે, શિવ-દર્શન સો સાયટી, વિભાગ-૦૩, યોગીચોક પાસે, કાપોદ્રા. વતન- કેરીયાનાગસ તા.અમરેલી) પાસે મોબાઇલ ફોન કબજે લેવાયા હતાં.
પ્રજેશ પાસે મળી આવેલા ૧૩ લાયસન્સ ચેક કરાયા હતાં જેમાં મિતુલ ભરતભાઈ સોના અને બસલમ કાળુ બરવાલીયા એમ બે નામના ડ્રાઇવિંગ લાયસન્સ ઉપર ફોટો એક જ વ્યક્તિનો જોવા મળ્યો હતો. આ બાબતે પ્રજેશ માણીયાની પૂછપરછ કરતાં તેણે એવી કબૂલાત કરી હતી કે, આરટીઓમાંથી ર્લનિંગ લાયસન્સ કઢાવવા માટે અમારો સંપર્ક કરનાર વ્યક્તિને બનાવટી લાયસન્સ પકડાવી પૈસા વસૂલ કરી લઇએ છે. અરજદારની જાણ બહાર તેમને બોગસ લાયસન્સ આપી સાતથી દસ હજાર રૂપિયા ચાર્જ વસૂલ કરવામાં આવે છે. બોગસ ર્લનિંગ લાયસન્સ બનાવી અરજદાર તથા સરકાર સાથે ફ્રોડ કરનારી આ ટોળકી સામે એસઓજી દ્વારા કાપોદ્રા પોલીસ મથકમાં ભારતીય ન્યાય સહિંતા ૨૦૨૩ ની કલમ ૩૧૬(૫), ૩૩૭, ૩(૫), ૬૧(૨) મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.