લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, એપ્રીલ 2026 |
સુરત |
990
સાયબર ફ્રોડ કરતી આંતરરાષ્ટ્રીય ગેંગનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો છે. ૧૮ રાજ્યોના ૫૩ નાગરિકો સાથે ૪૭.૪૪ કરોડનું સાયબર ફ્રોડ કરનારા માફિયાઓ માટે બેંક એકાઉન્ટ મેનેજ કરતાં ડિંડોલીનાં યુવકને પકડી પોલીસે ૧૯.૮૭ લાખ કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગરીબ ગરજાઉ લોકોને કમિશનની લાલચમાં સપડાવી તેમના નામે ખોલાવાયેલા બેંક એકાઉન્ટ દુબઇ મોકલતાં ભાવેશ શિંદે સાથે આ રેકેટમાં સામેલ એવા ઋષિકેશ શિંદે અને હરિશ ચૌધરીને વોન્ટેડ જાહેર કરાયા છે.
ઓનલાઇન ફ્રોડ કરતી ટોળકી માટે બેંક એકાઉન્ટ મેનેજ કરનારાઓ અંગે સાયબર ક્રાઇમ પોલીસ તપાસ કરી રહી છે. આ દરમિયાન મળેલી બાતમીને આધારે લિંબાયતમાં નીલગીરી સર્કલ પાસે સુભાષનગરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ગલી નંબર ૩, પ્લોટ નંબર ૨૪૬ ઉપરના મકાનમાં તપાસ કરાતાં ભાવેશ મનોજભાઈ શિંદે (રહે. કૈલાશ પેલેસ જવાહર સ્કૂલ પાસે ડીંડોલી) મળી આવ્યો હતો. મહારાષ્ટ્રનાં ધુલિયા તાલુકાના વતની ભાવેશ શિંદેને અટકાયતમાં લઈ ઘરમાં તપાસ કરાતાં તે સાયબર ફ્રોડનું મોટું નેટવર્ક ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું.
રોકડા ૧૮.૫૦ લાખ, ડેબિટ કાર્ડ, ચેક બુક, પાસબુક, સીમકાર્ડ વિગેરે મળી ૧૯.૮૭ લાખની મતા સાથે ઝડપાયેલા ભાવેશની પૂછપરછમાં તે જરૂરિયાતમંદ લોકોને કમિશનની લાલચમાં સપડાવી તેમના નામે સીમકાર્ડ ખરીદ્યા બાદ બેંક એકાઉન્ટ ખોલાવતો હોવાનું બહાર આવ્યું હતું. નવા એકાઉન્ટ અને તેની સાથે જાેડાયેલા સીમકાર્ડની કીટને તે દુબઈ બેસીને સાયબર ફ્રોડ કરનારા માફિયાઓને મોકલી આપતો હતો. આ રેકેટમાં તેની સાથે ઋષિકેશ અધિકાર શિંદે (રહે. ગંગોત્રી સોસાયટી માનસરોવર ગોડાદરા) અને હરીશ સુનિલભાઈ ચૌધરી (રહે સુભાષનગર ગલી નંબર ત્રણ નીલગીરી સર્કલ પાસે લિંબાયત) (મૂળ રહે. જલગાવ, મહારાષ્ટ્ર) સામેલ હોવાનું પણ તેણે જણાવ્યું હતું. જેથી પોલીસે ભાવેશ શિંદેની ધરપકડ કરી ઋષિકેશ અને હરિશને વોન્ટેડ જાહેર કર્યા છે. ભાવેશ શિંદેની પ્રાથમિક તપાસમાં ૩૫ બેંક એકાઉન્ટની માહિતી મેળવી હતી. આ એકાઉન્ટને એનસીસીઆરપી પોર્ટલ ઉપર ચેક કરાયા હતાં. જેમાં અલગ અલગ ૧૮ રાજ્યોમાં ૫૬ ગુનાઓ નોંધાયાનું જાણવા મળ્યું હતું. આ ૫૬ ગુનાઓમાં ૪૭.૪૪ કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ કરાયાનું પણ બહાર આવ્યું છે.