દિલ્હી-

દિલ્હીના રોહિણી કોર્ટ સંકુલમાં શુક્રવારે ગેંગ વોર ફાટી નીકળ્યું હતું. ગેંગસ્ટર જીતેન્દ્ર ગોગીની બદમાશોએ ગોળી મારી હત્યા કરી હતી. આ ગેંગ વોરમાં ગોગી સહિત કુલ ત્રણ લોકો માર્યા ગયા છે. ફાયરિંગમાં 3 થી 4 લોકો ઘાયલ પણ થયા હતા. રિપોર્ટ અનુસાર, ગોગી કોર્ટમાં હાજર થવા માટે આવ્યા હતા, જ્યાં વકીલના ગણવેશમાં આવેલા બે બદમાશોએ તેમના પર ગોળીબાર કર્યો હતો.

હુમલાખોરોમાંથી એક પર 50,000 રૂપિયાનું ઈનામ હતું

દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ જણાવ્યું કે જ્યારે ગેંગસ્ટર ગોગીને કોર્ટમાં સુનાવણી માટે લઈ જવામાં આવ્યા ત્યારે બે ગુનેગારોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં પોલીસે બંને હુમલાખોરોને ઠાર કર્યા હતા. એક હુમલાખોર પર 50,000 રૂપિયાનું ઈનામ હતું.

ગોગીનું હોસ્પિટલમાં મોત થયું

વકીલ લલિત કુમારે જણાવ્યું કે હુમલાખોરો વકીલના ડ્રેસમાં આવ્યા હતા. તેણે ગોગીને સતત 3 ગોળીઓ મારી. ગોગીની સુરક્ષામાં લાગેલા દિલ્હી પોલીસના લોકોએ 25-30 ગોળીઓ ચલાવી છે. જેમાં ગુનેગારોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ગોગીનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.

લલિત કુમારે એમ પણ કહ્યું કે ગોગીની સુનાવણી દરમિયાન આ ઘટના બની હતી. ન્યાયાધીશો, સ્ટાફ અને વકીલો પણ હાજર હતા. સાંભળ્યું છે કે અમારા એક ઇન્ટર્નને પણ પગમાં ગોળી વાગી છે. આ ઘટના આજે બપોરે 1-1.5 વાગ્યાની આસપાસ બની હતી. સવારે યોગ્ય રીતે ચેકિંગ કરવામાં આવતું નથી. મોટી બેદરકારી છે.