વડોદરા, તા.૨૬

ચૂંટાયેલા પ્રજાપ્રતિનિધિઓ પર હાવી થઈ જવાની આદત ધરાવતા સ્થાનિક સંગઠનના વડા એવા ભાજપના શહેર ભાજપા પ્રમુખ અને તેમના મળતિયા વધુ એકવાર ઊંધે માથે પછડાયાનો એક કિસ્સો આજે પહેલાં નોરતે જ પ્રકાશમાં આવ્યો છે અને કારેલીબાગ વિસ્તારમાં નવા ભાજપા કાર્યાલય બાંધવાની યોજનાનો ગરબો આજે પહેલાં જ નોરતે સયાજીગંજ વિસ્તારમાં પહોંચ્યો હતો.

અગાઉ કારેલીબાગ વિસ્તારમાં એક વિશાળ ખૂલ્લી જમીન પસંદ કરાઈને ત્યાં શહેર ભાજપાનું અત્યંત આધુનિક અને તમામ સુખ-સગવડો સાથેનું મુખ્ય કાર્યાલય બનાવવાની તૈયારીઓ થઈ ચૂકી હતી. આ કાર્યાલય સ્થળની પ્રદેશ ભાજપા અધ્યક્ષ સહિત અનેક નેતાઓએ મુલાકાત લઈ આ યોજનાને આખરી ઓપ આપવાના ચક્રો ગતિમાન થયા હતા.

અહીંની સૂચિત ઈમારત માટેના નકશા સુદ્ધાં તૈયાર થઈ ગયા હતા. પોતાના કાર્યકાળ દરમિયાન આ યોજના અમલમાં મૂકી જશ ખાટવા માંગતા શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહે આ માટેના તમામ સૂત્રો હસ્તગત કરી લીધા હતા. પરંતુ ભાજપાના જ અનેક નેતાઓ-કાર્યકરોએ આ સ્થળે કાર્યાલય બાંધવા સામે અસંતોષ અને નમ્ર વિરોધ નોંધાવ્યો હતો. કારણ એવું અપાયું હતું કે, આ પ્લોટની પાછળના ભાગે બહુચરાજી સ્મશાનભૂમિ આવેલી છે. આથી આ ઈમારતમાંથી રોજેરોજ અંત્યેષ્ઠીઓ જાેવી પડશે! આ દલીલ કારગત નીવડી હતી અને ખાનગીમાં અન્ય પ્લોટની શોધખોળ શરૂ થઈ હતી. જેના પરિણામરૂપે આજે અત્રે વડોદરા પધારેલા પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલ સયાજીગંજ વિસ્તારમાં પક્ષના ચૂંટાયેલા અને સંગઠનના અગ્રણીઓ સાથે એક વિશાળ પ્લોટ જાેવા ગયા હતા. આ સ્થળ પર ભાજપાના નવા વૈભવી કાર્યાલયની રચના થાય તો ભાજપાનું કાર્યાલય હાલના કાર્યાલયની નજીક અને એ જ વિસ્તારમાં રહે એવો વિચાર વહેતો થયો છે. કારેલીબાગનો પ્લોટ પસંદ કરાવ્યાનો અને તેમના પ્રયત્નોથી આખી યોજનાને મંજૂરી મળ્યાનો દાવો ઠોકતી સંગઠનની ટોળકીને આજે અચાનક નવા કાર્યાલયનું સ્થળ બદલાઈ રહ્યાના ચોંકાવનારા સમાચાર સાંપડતાં તેમના જૂથમાં ક્ષણભર તો સોંપો પડી ગયો હતો અને વધુ એકવાર તેઓ ઊંધે માથે પછડાયાની લાગણી હસતું મોઢું રાખીને છૂપાવી રહ્યાનું નજરે પડયું હતું.