દિલ્હી-

કોંગ્રેસ પાર્ટીમાંથી એક પછી એક નેતાઓ છોડવાની પ્રક્રિયા અટકતી નથી. આ વખતે પાર્ટીના વરિષ્ઠ નેતા પી.સી.ચાકો એ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામાની ઘોષણા સાથેના નિવેદનમાં તેમણે કહ્યું હતું કે, તેઓ પાર્ટીના કેરળ એકમમાં જૂથવાદ થી નારાજ છે.

ચાકો એ પોતાનું રાજીનામું પાર્ટીના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીને મોકલી દીધું છે. રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે પીસી ચાકોના રાજીનામાથી કોંગ્રેસ પક્ષને મોટો ફટકો પડ્યો છે. પાર્ટી છોડ્યા બાદ તેમણે કહ્યું, "હું છેલ્લા ઘણા દિવસોથી આ નિર્ણય અંગે વિચાર કરી રહ્યો છું. હું કેરળથી આવ્યો છું, જ્યાં કોંગ્રેસ પાર્ટી નથી. પાર્ટી બે જૂથોમાં કામ કરે છે, એક કોંગ્રેસ (આઈ) અને બીજો કોંગ્રેસ (એ). કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (કેપીસીસી) ત્યાં ફક્ત બે પક્ષોની સંકલન સમિતિ તરીકે કાર્ય કરે છે. '

ચાકોએ વધુમાં કહ્યું કે, હાલમાં કેરળમાં વિધાનસભાની ચૂંટણીઓનો નિર્ણાયક સમય છે. આવી સ્થિતિમાં લોકો ઇચ્છે છે કે કોંગ્રેસ ફરીથી સત્તામાં આવે, પરંતુ પાર્ટીના ટોચના નેતાઓ પરસ્પર જૂથવાદમાં વ્યસ્ત છે. તેમણે કહ્યું, "મેં રાજ્ય કોંગ્રેસની સ્થિતિને લઈને હાઈકમાન્ડનો ઘણી વખત સંપર્ક કર્યો અને તેને સમાપ્ત કરવા માટે તેમની હસ્તક્ષેપની માંગ કરી." પરંતુ હાઈકમાન્ડ પણ આ બંને જૂથોના તર્ક અને કાર્યવાહીથી સંમત હોવાનું જણાય છે. " નોંધનીય છે કે, પીસી ચાકો દિલ્હી કોંગ્રેસના પ્રભારી રહી ચૂક્યા છે. જો કે, 2020 માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીને જીતવા માટે સક્ષમ ન થઇ હોવાને કારણે, તેમણે પ્રભારી પદ પરથી રાજીનામું આપ્યું હતું.