પ્રથમ વિશ્વયુદ્ધ વખતે દાદાએ બ્રિટનને લૉન આપી હતી, હવે પૌત્ર વસૂલી કરશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, ફેબ્રુઆરી 2026  |   3168


ભોપાલ,મધ્યપ્રદેશના શિહોર જિલ્લા એક વ્યક્તિએ ૧૦૯ વર્ષ પહેલાં તેના દાદા દ્વારા બ્રિટિશ સરકારને આપવામાં આવેલી લોન પરત મેળવવા માટે કાયદાકીય લડત શરૂ કરી છે. ભોપાલના ૬૩ વર્ષીય વિવેક રુથિયા નામના વ્યક્તિએ દાવો કર્યો છે કે વર્ષ ૧૯૧૭માં પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન તેમના દાદા શેઠ જુમ્મા લાલ રુથિયાએ બ્રિટિશ સામ્રાજ્યને ૩૫,૦૦૦ રૂપિયાની લોન આપી હતી. તાજેતરમાં પોતાના પારિવારિક દસ્તાવેજાે તપાસતી વખતે વિવેકને આ ઐતિહાસિક લોનનું સર્ટિફિકેટ મળી આવ્યું હતું, જેના આધારે તેઓ હવે વ્યાજ સહિત કરોડો રૂપિયાની રકમ પરત માંગવાની યોજના બનાવી રહ્યા છે. પરિવાર પાસે રહેલા જૂન ૧૯૧૭ના આ સર્ટિફિકેટ મુજબ, શેઠ જુમ્મા લાલે ‘ઇન્ડિયન વોર લોન’ હેઠળ આ રકમ જમા કરાવી હતી. આ દસ્તાવેજ પર તે સમયના ભોપાલના પોલિટિકલ એજન્ટ ડબલ્યુ. એસ. ડેવિસના હસ્તાક્ષર પણ છે. વિવેક રુથિયાનું કહેવું છે કે તેમના દાદાએ બ્રિટિશ સરકાર પ્રત્યે વફાદારી દર્શાવવા અને યુદ્ધમાં સહાય કરવા માટે આ મોટી રકમ આપી હતી, પરંતુ આ લોન ક્યારેય પરત કરવામાં આવી નથી. તેમના પિતાએ આ બાબતે ક્યારેય કોઈ કાર્યવાહી કરી ન હતી, પરંતુ હવે જ્યારે આ દસ્તાવેજ સામે આવ્યો છે, ત્યારે તેઓ વર્તમાન યુકે સરકાર પાસેથી આ નાણાં વસૂલવા માટે વકીલોની સલાહ લઈ રહ્યા છે.

જાે ૧૯૧૭ની ૩૫,૦૦૦ રૂપિયાની રકમની ગણતરી આજના મોંઘવારી દર અને ૫.૫ ટકા ચક્રવૃદ્ધિ વ્યાજ મુજબ કરવામાં આવે, તો આ રકમ અનેક ગણી વધીને કરોડોમાં પહોંચી શકે છે. જાે સોનાના ભાવ સાથે તેને સરખાવવામાં આવે તો પણ આ કિંમત ૧૦ કરોડ રૂપિયાથી વધુ થવાનો અંદાજ છે. જાેકે, કાયદાકીય નિષ્ણાતોનું માનવું છે કે આટલા જૂના અને સંસ્થાનવાદી સમયના દાવાઓને આંતરરાષ્ટ્રીય સ્તરે પડકારવા ખૂબ જ જટિલ છે. ૧૦૯ વર્ષ જૂનું સર્ટિફિકેટ રુથિયા પરિવાર માટે એક ઐતિહાસિક વારસો બની રહ્યું છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution