ગુજરાત CM રૂપાણીએ નવી સોલાર પોલિસી-2021 જાહેર કરી, જાણો શું થશે ફાયદા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, ડિસેમ્બર 2020  |   1881

ગાંધીનગર-

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત સોલાર પોલિસી 2021ની જાહેરાત કરી હતી, જેમાં મહત્ત્વની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ કોઈપણ ખાનગી સંસ્થા અથવા તો કોઈ પણ ટ્રસ્ટ વીજળીનું ઉત્પાદન કરી શકશે અને વધારાની વીજળી રાજ્ય સરકારને વેચી પણ શકશે.

સોલાર પોલિસીની જાહેરાત અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સોલાર ઊર્જાનો વ્યાપ વધે અને લોકોને સસ્તી વીજળી ઘર આંગણે મળી રહે એ માટે સોલાર પોલિસી 2015માં કાર્યવાહી કરી હતી. આ નીતિને મળેલા પ્રતિસાદને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા આગામી નવી ગુજરાત સોલર પાવર પોલિસી 2021ને અમલમાં મૂકવામાં આવી છે. આ નવી સોલાર પોલિસીના પરિણામે રાજ્યમાં સૌર ઊર્જાનો વપરાશ ઉત્પાદન વધવાથી ઉદ્યોગકારોની પ્રોડક્શન કોસ્ટ નીચી જશે અને મેડ ઈન ગુજરાત પ્લાન્ટ ગુજરાતમાં સહિત સમગ્ર દેશ દુનિયામાં છવાઈ જાય તેવી પણ આશા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વ્યક્ત કરી છે.

ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે, ગુજરાત સરકાર દ્વારા અમલી બનાવેલ આ નવી પોલીસી પ્રદુષણરહિત રીન્યુએબલ એનર્જીના વિકાસમાં પ્રેરકબળ પૂરુ પાડશે. તેમણે ઉમેર્યુ હતુ કે, આ પોલીસી ગુજરાતને એનર્જી હબ બનાવવાની દિશામાં આગળ લઇ જશે. દેશના ઇતિહાસમાં ઉર્જા ક્ષેત્રે લોકોને જોડવા માટે ગુજરાતે ઉત્તમ તક પુરી પાડી છે. આ પોલિસીના માધ્યમ દ્વારા ઘર વપરાશના ગ્રાહકો/ખેડૂતો/કોમર્શીયલ ગ્રાહકો/નાના મોટા ઉદ્યોગ ગૃહો/ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ સહિત જે કોઇ વ્યક્તિને વીજ ઉત્પાદન કરવું હશે તે કરી શકશે અને પોતાના વપરાશ બાદની વીજળી તે વેચી પણ શકશે. ગ્રીન એનર્જી ક્ષ્‍રેત્રે ગુજરાતે કરેલી કામગીરીની વિગતો આપતાં કહ્યુ કે, ગુજરાતે 11 હજાર મેગાવોટ ક્ષમતાની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરી છે અને 2022 સુધીમાં 30 હજાર મેગા વોટ ગ્રીન એનર્જીના ઉત્પાદનનું લક્ષ્‍ય છે. જેમાં વિન્ડ એનર્જી અને સોલાર એનર્જીનો સમાવેશ થાય છે. એટલું જ નહીં રાજ્યમાં સોલાર રૂફટોપ યોજના અમલી બનાવી 800 મેગાવોટ સૌર ઉર્જાનું ઉત્પાદન કરી રહેલ છે તેમજ રાજ્ય સોલાર રૂફટોપ યોજનામાં દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે.

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution