વડોદરા : ગુજરાત ઈન સર્વિસ ડોકટર્સ એસોસિયેશન રાજ્યની મેડિકલ સેવામાં કાર્યરત વર્ગ-૧ અને વર્ગ-ર તબીબોના સેવાકીય લાભો માટે સરકાર સમક્ષ વાજબી અને ન્યાય માટે રજૂઆત કરી રહ્યા છે. વખતોવખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો પણ કરી છે અને હાલ પણ તેઓ છેલ્લા એક અઠવાડિયાથી હડતાળનું આંદોલન ચલાવી રહ્યા છે. તબક્કાવાર હડતાળના આંદોલનની રૂપરેખા સરકારને આવેદનપત્ર આપી જણાવી છે, પરંતુ અત્યાર સુધી સરકારે પ્રાધ્યાપકોની માગણીઓ સ્વીકારી લીધી હતી. ગુજરાત ઈન સર્વિસ ડોકટર્સની માગણીઓ સ્વીકારવા મામલે સરકાર ઢીલી નીતિ અપનાવી રહી છે, જેથી ગુજરાત ઈન સર્વિસ ડોકટર્સ એસો. લાલઘૂમ થયું છે અને ચાલી રહેલા હડતાળ-આંદોલન આક્રમક બનાવવામાં આવી રહ્યું છે. હાલ તબીબો દ્વારા કાળીપટ્ટી ધારણ કરીને અહિંસક આંદોલન ચલાવી રહ્યા છે. હવે તા.૧૭મીથી પેન ડાઉન સ્ટ્રાઈકનું હથિયાર ઉગામ્યું છે. તા.૧૭મીના રોજ શહેર-જિલ્લામાં આવેલ પીએસસી, સીએચસી આરોગ્ય કેન્દ્રમાં તબીબો દર્દીઓને પેનથી દવાઓ લખી નહીં આપે. આ ઉપરાંત પોસ્ટ મોર્ટમ સહિતના અન્ય જરૂરી કાગળો પર સહી કરશે નહીં, જેથી સરકારી કામમાં રૂકાવટ આવવાની શક્યતાઓ રહેશે.

તબીબો દ્વારા તેમની વિવિધ ૧૨ માગણીઓ પૈકી કેન્દ્રના સાતમા પગારપંચ મુજબ ર૦૧૬થી એનપીએ આપવું, કેન્દ્રના ધોરણે તબીબી અધિકારીઓને છઠ્ઠા પગારપંચમાં એન્ટ્રી-પે થી બી ગ્રેડ, પે રૂા.૫૪૦૦ અને સાતમા પગારપંચમાં મેટ્રિક લેવલ આપવું, તબીબી અધિકારીઓને અનુસ્નાતક અભ્યાસ પોસ્ટ ગ્રેજ્યુએટ માટે રપ ટકા બેઠકો અનામત રાખવી, ટીકુ કમિશનની જાેગવાઈમાં બિનજરૂરી કાઢેલા વાંધાઓ દૂર કરી કમિશનના લાભ આપવા સહિતની ૧૨ જેટલી માગણીઓ સાથે હડતાળનું આંદોલન ચલાવી રહ્યા છે. સરકાર તરફથી અત્યાર સુધી ઉપરોક્ત મુદ્‌ે ચર્ચા-વિચારણા કરવા માટે બોલાવવામાં ન આવ્યા હોવાનું એસો.ના સેક્રેટરી ડો. ડી.કે.હેલયા અને જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવતે જણાવી ઉમેર્યું હતું કે, અત્યાર સુધી અમે કાળીપટ્ટી ધારણ કરીને દેખાવો યોજવામાં આવી રહ્યા હતા, પરંતુ તા.૧૭મીના રોજથી તા.૨૪મી સુધી પેન ડાઉન સ્ટ્રાઈક રાખવામાં આવશે, છતાં પણ કોઈ નિર્ણય નહીં આવે તો તા.૨૪મીના રોજ સામૂહિક માસ સીએલ રજા પર જવાની તેમજ તા.૩૧મીથી અચોક્કસ મુદતની રજા ઉપર જવાની ચીમકી પણ ઉચ્ચારી છે.