ગાંધીનગર-

ગુજરાત ફોરેન્સિક સાયન્સીઝ યુનિવર્સિટીને રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો મળ્યો છે. જે બાદ હવે દેશ-વિદેશમાં ઑફ-કેમ્પસ સેન્ટર તથા ઑફ-શોર કેમ્પસની સ્થાપના થકી ફોરેન્સિક સાયન્સના શિક્ષણ , રિસર્ચ, તાલિમ અને કન્સલ્ટન્સિંગનો વ્યાપ વધારવા માટે આ યુનિવર્સિટીની ભૂમિકા પાયારૂપ બનશે. આ સૂચિત કેન્દ્રીય યુનિવર્સિટીનું વડુ મથક ગાંધીનગર ખાતે જ રહેશે. રાષ્ટ્રીય દરજ્જા બાદ વિવિધ કેન્દ્રીય સંસ્થા, કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો અને વિદેશી સંસ્થાઓ પાસેથી રિસર્ચ અને કન્સલ્ટન્સિંગ પ્રોજેક્ટ મેળવવામાં પણ સરળતા રહેશે. કેન્દ્ર સરકાર તરફથી આ યુનિવર્સિટીને 100 ટકા ગ્રાન્ટ ફાળવવામાં આવશે.

આ મામલે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે દીર્ઘ દ્રષ્ટિ પૂર્વક રાજ્યમાં ફોરેન્સિક સાયન્સનો વ્યાપ વધે તે માટે ગુજરાતમાં ગુજરાત ફોરેન્સિક સાયન્સીઝ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. રાજ્યની આ યુનિવર્સિટીએ દેશ-વિદેશમાં તેની કામગીરી થકી નામના મેળવી છે. ગુજરાતની આ યુનિવર્સિટીને કેન્દ્રિય યુનિવર્સિટી તરીકેનો દરજ્જો આપવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે. આ માટેનુ બિલ લોકસભામા કેન્દ્રીય ગૃહ રાજય મંત્રી જી.કિશન રેડ્ડીએ રજૂ કર્યુ હતું અને લોકસભામા પસાર કરાયુ હતું. જે સમગ્ર ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. આ યુનિવર્સિટી માટે કેન્દ્ર સરકાર ૧૦૦ ટકા ગ્રાન્ટ ફાળવશે અને યુનિવર્સિટીનું વડુ મથક ગાંધીનગર રહેશે.