અમદાવાદ,

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે બાંહેધરી માગી છે. કોરોનાની મહામારીના કારણે ત્રણ મહિનાથી ધંધા રોજગાર બંધ છે ત્યારે શાળા સંચાલકોની દાદાગીરી અને મનમાની સામે આવી હતી. ત્યારે બાળકોનું ભવિષ્ય ન બગડે તે હેતુથી વાલીઓ હાઈકોર્ટના દ્વારે ગયા હતા.

ત્યારે હવે હાઈકોર્ટે સરકાર પાસે બાંહેધરી માગી છે કે, ખાનગી શાળામાં જ વાલી ફી ન ભરી શકે તેના બાળકનું એડમિશન રદ કરવામાં ન આવે તેની ખાતરી આપવી પડશે. હાલ મહામારીના કારણે લોકો તણાવમાં છે ત્યારે આ પ્રકારની મુશ્કેલી તેમનો તણાવ વધારી શકે છે.

ગુજરાતમાં શિક્ષણ જાણે વેપાર બની ગયું હોય તેવી સ્થિતી ખાનગી શાળા સંચાલકો દ્વારા ઉત્પન્ન કરવામાં આવી છે. તો બીજી તરફ સરકાર પણ જાણે મજબુર હોય તેવી વર્તણુંક કરી રહી છે. શાળાઓ દ્વારા મનમાની રીતે લોકડાઉન હોવાથી શાળાઓ ચાલુ નહી હોવા છતા ફી વસુલાત ચાલુ કરી દીધી હતી. જેના કારણે વાલીઓમાં ખુબ જ રોષ હતો.

શાળાઓ દ્વાર મોં માંગી ફી વસુલાઈ રહી છે અને 3 મહિના કોઈ કમાણી નથી થઈ ત્યારે વાલીઓ કેવી રીતે ફી ભરી શકે? કોરોના મહામારીમાં આ વાલીઓને પરેશાન ન કરવા જોઈએ. 

હાઇકોર્ટ દ્વારા જાહેર હિતની અરજીની સુનવાણી કરતા ખાનગી શાળાના સંચાલકો અને તેમની લાલચી વૃતિ વિરુદ્ધ આકરી ટિપ્પણી કરવામાં આવી હતી. હાઇકોર્ટે ખાનગી શાળાઓની મનમાની પર રોક લગાવવામાં આવી હતી. શાળાઓ દ્વારા ફી નહી ભરનાર વિદ્યાર્થીઓની હકાલપટ્ટીની ધમકી આપવામાં આવી હતી. જેના પર હાઇકોર્ટે રોક લગાવી હતી.