અમદાવાદ-

ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આવેલા એક વિચિત્ર કેસમાં ખંડપીઠે પત્નીના રેપના ગુનામાં પતિને થયેલી ૧૦ વર્ષની સજા રદ કરવાનો આદેશ કર્યો છે. આ કેસની હકીકત એવી છે કે, સગીરા જ્યારે ૧૬ વર્ષની હતી ત્યારે પોતાની ઘરેથી ચાલી ગઈ હતી. ત્યારબાદ કપલ એક બીજા સાથે પતિ અને પત્નીની જેમ રહેતા હતા અને આજે તેમને બે બાળકો પણ છે. જાે કે, આ ઘટનામાં થયેલી પોલીસ ફરિયાદમાં નીચલી કોર્ટે સગીરાના પતિને જ તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે રેપના ગુનામાં ૧૦ વર્ષની જેલની સજા ફટકારી હતી.

જેથી, સજાને રદ કરવા માટે પતિએ હાઈકોર્ટનો દરવાજાે ખખડાવ્યો હતો. જેમાં સમગ્ર હકીકત સામે આવતા જસ્ટીસ પરેશ ઉપાધ્યાયે એવી ટકોર કરી હતો કે, 'અરજદાર પતિને સજા કરવામાં નીચલી કોર્ટથી કે સરકાર કોઈનાથી પણ ભૂલ થઈ નથી. પરંતુ હવે આ કેસમાં દીકરી કે તેના બાળકો શું વાંક, એટલે એના પતિને તો મુક્ત કરવો જ પડે.' આ સાથે જ હાઈકોર્ટે આવી પણ ટકોર કરી હતી કે, આ કેસમાં સામે આવેલા પુરાવા અને દીકરીનું નિવેદન જાેતા એવું જણાય છે કે, આ દીકરી સિસ્ટમના લીધે વિક્ટિમ (પીડિત) બની છે.

'૧૬ વર્ષની દીકરી પોતાની મરજીથી ઘરેથી જતી રહી હોય અને ત્યારબાદ યુવક સાથે લગ્નમાં બંધાઈ હોય અને પછી તેને બે બાળકો થઈ ગયા હોય અને હવે તેનો પતિ ૧૦ વર્ષ માટે જેલમાં જતો રહે. બે બાળકોને જન્મ આપનાર પિતા જેલમાં જશે એવા પ્રશ્નના ત્રીભેટે આવીને હાઈકોર્ટ ઉભી છે. તેથી અરજદાર પતિની સજા રદ કરવી જ રહી છે. જાે કે, આવા કેટલો કેસો હશે જેથી, વિસ્તૃત મુદ્દા પૂરતું કેસની આગામી સુનાવણી ૧૩મી સપ્ટેમ્બરે રાખવામાં આવી છે.' ગુજરાત હાઈકોર્ટે આદેશમાં નોંધ્યું, આ કેસમાં અરજદારને ધારા ૩૭૬ હેઠળ ૧૦ વર્ષની સજા કરવામાં આવી છે, જ્યારે એ તથ્ય નિર્વિવાદ છે કે તેની પત્ની જ્યારે સગીર હતી ત્યારે પોતાની મરજીથી ઘરેથી ચાલી ગઈ હતી અને ત્યારબાદ બંને પતિ-પત્નીની જેમ સાથે રહ્યા હતા અને હવે તેમને બે બાળકો પણ છે. જેથી આ સંજાેગોમાં અરજદારને જેલમાં રાખવાની જરૂર ન જણાતા મુક્ત કરવામાં આવે.