ગુજરાત ટાઇટન્સનું ટિકિટોનું ઓનલાઈન વેચાણ શરૂ:હોમ મેચની ટિકિટો ૧૦૦૦ થી ૨૫ હજારની રહેશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, માર્ચ 2026  |   2574


નવીદિલ્હી: IPL ૨૦૨૬ની તૈયારીઓ દરેક ટીમે શરૂ કરી દીધી છે. જેના ભાગરુપે ગુજરાત ટાઇટન્સ ની ટીમે સોમવારે આગામી સીઝન માટેની ટિકિટોના ડિજિટલ વેચાણના પ્રારંભની જાહેરાત કરી હતી. ગુજરાત ટાઇટન્સે હોમ મેચો માટે ટિકિટોની કિંમત ૧૦૦૦ થી ૨૫ હજાર સુધીની રાખવાની જાહેરાત કરી છે.આ સાથે ગુજરાત ટાઇટન્સે ફેન્સને ફરજીયાત ફિઝિકલ ટિકિટ રાખવાની ઝંઝટમાંથી મુક્તિ આપવા એમ-ટિકિટની પહેલ શરૂ કરી છે. જેથી દર્શકોને મોબાઈલ પર ક્યુઆર કોડવાળી ટિકિટ ફોન પર મળશે અને પછી તેમણે ફિઝિકલ ટિકિટ રાખવાની જરૂર નહીં પડે. સામાન્ય સ્ટેન્ડ્સ માટે કિંમત ૧ થી ૩ હજારની (૧૦૦૦, ૧૫૦૦, ૧૮૦૦, ૩૦૦૦) રહેશે. જ્યારે મેચ-ડે પર પ્રિમિયમ અનુભવ માટે પ્રેસિડન્ટ ગેલેરીની ટિકિટ ૧૦ અને ૧૨ હજારમાં મળશે. જ્યારે પ્રિમિયમ સુઈટ્સ અને પ્રેસિડેન્શિયલ સુઈટ્સની ટિકિટો અનુક્રમે ૧૮,૦૦૦ અને ૨૫ હજારમાં મળશે.ગુજરાતની ટીમ પોતાની પ્રથમ હોમ મેચ ૪ એપ્રિલના રોજ રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ ખાતે રમશે. પ્રથમ તબક્કાના મુકાબલામાં ગુજરાતની ટીમ ઘરની બહાર ૩ મેચ રમશે. જેમાં પંજાબ સામે (૩૧ માર્ચ), દિલ્હી સામે (૮ એપ્રિલ) અને લખનઉ સામે (૧૨ એપ્રિલ)ની મેચ સામેલ છે. ટીમના  કર્નલ અરવિન્દર સિંહે કહ્યું કે,’અમે સતત ફેન-ફ્રેન્ડલી અનુભવ પર કામ કરી રહ્યા છીએ, જેથી એમ-ટિકિટને લોન્ચ કરવામાં આવી છે. જેથી દર્શકોનું ધ્યાન રમતને માણવા પર વધુ રહે.’

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution