ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસરે આસિસ્ટન્ટ પર આચર્યું દુષ્કર્મ, પ્રોડ્યુસરની ધરપકડ 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, સપ્ટેમ્બર 2020  |   7920

વડોદરા-

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી અદિતિ હોટલમાં રૂમ ભાડે રાખીને રહેતો ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર, ડ્રામા પ્રોડક્શન હાઉસનો માલિકે પોતાની જ આસિસટન્ટ પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે સયાજીગંજ પોલીસે ફિલ્મ પ્રોડ્યુસર સામે દુષ્કર્મનો ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવતીને પગાર આપવા બોલાવી તેની સાથે દુષ્કર્મ આચરનાર ફિલ્મ પ્રોડયુસર દિપ પટેલ હાલમાં વડોદરાની નાઇટ લાઇફ ઉપર વેબ સિરીઝ બનાવી રહ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.

મળતી માહિતી મુજબ, દિપ પટેલ મૂળ સાવલીના ચંદ્રનગરનો ખેડૂત પુત્ર છે. છેલ્લા ત્રણેક વર્ષથી વડોદરાના કલાલી વિસ્તારમાં તેના પિતા સાથે રહેવા આવ્યો છે. તે નાની-મોટી ફિલ્મો પ્રોડ્યુસ કરવાનો વ્યવસાય કરે છે. એક મહિના પહેલા દિપ પટેલે રૂ. 13 હજારના પગાર પર આસિસટન્ટ તરીકે એક યુવતીને નોકરી પર રાખી હતી. મહિના સુધી આ યુવતી પાસે કામ કરાવ્યાં બાદ દિપ પટેલે તેણીને પગાર આપવાના બહાને સયાજીગંજ વિસ્તારમાં આવેલી અદિતિ હોટલમાં રાત્રીના સમયે બોલાવી હતી. જ્યાં દિપ પોતે રૂમ રાખીને ભાડે રહેતો હતો.

દિપે પગાર આપવાના બહાને યુવતીને રાત્રે 10 વાગ્યાની આસપાસ હોટલમાં બોલાવી રૂમમાં લઇ ગયો હતો. જ્યાં તેણે રૂમનો દરવાજો બંધ કરી યુવતી સાથે જબરદસ્તી કરી દુષકર્મ આચર્યું હતુ. આખી રાત રૂમમાં યુવતીને ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ યુવતી વહેલી સવારે રૂમનો દરવાજો ખોલીને ત્યાંથી ભાગી ગઇ હતી. જે બાદ દિપ પટેલે યુવતીને ધમકી આપી હતી કે, આ અંગે કોઇને જાણ કરીશ તો તને જાનથી મારી નાખીશ.પરંતુ યુવતીએ હિંમત ન હારી અને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ સયાજીગંજ પોલીસે દુષ્કર્મ આચરનાર દિપ રાજુભાઇ પટેલની ધરપકડ કરી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution