અમદાવાદ-

આજકાલ છેતરપીંડીના કિસ્સાઓમાં ધરખમ વધારો થતો જોવા મળી રહ્યો છે.સાયબર ગઠિયાઓ સોસીયલ મીડિયા થકી લોકોને પોતાની માયાજાળમાં ફસાવી છેતરપીંડીનો શિકાર બનાવી રહ્યા છે.ત્યારે સીટીએમમાં રહેતા વેપારીનો ફોન હેક કરીને જુદા જુદા વર્ચ્યુઅલ નંબરથી કોલ કરી તેમના બેંક ખાતામાં રજિસ્ટર્ડ નંબરનું સીમકાર્ડ બંધ કરાવી તેમના તથા તેમના કાકા અને પિતરાઈની કંપનીઓના બેંક એકાઉન્ટમાંથી કુલ 39.51 લાખની ઓનલાઇન છેતરપિંડી કરાઈ હતી. આ અંગે સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત થતી વિગતો મુજબ સીટીએમના પ્રેસ્ટિઝ બંગલોમાં રહેતા અને નાગરવેલ હનુમાન પાસે મશીનરી સ્પેરપાર્ટ્સનો વેપાર કરતા નિકુંજ પંચાલનો ફોન તેમની કંપનીના બેંક એકાઉન્ટ તેમ જ તેમના કાકા, પિતરાઈની કંપનીના બેંક એકાઉન્ટમાં રજિસ્ટર્ડ છે.11મીએ નિકુંજના ફોનમાં સાંજે સાડા પાંચ વાગ્યે ઇનકમિંગ અને આઉટગોઇગ બંધ થઈ જતા તેમણે કસ્ટમર કેરમાં ફોન કરતા તેમનો નંબર ચાલુ થઈ ગયો હતો ત્યારબાદ ફરી રાતે 9 વાગે ફોન બંધ થઈ જતા તેમણે ફોન બંધ કરી દીધો હતો. ત્યાર બાદ બીજા દિવસે તેમને અલગ અલગ કંપનીઓના ટેક્સ્ટ મેસેજ આવવાનું શરૂ થયુ હતું. જેમાં તેમના તથા તેમના કાકા, પિતરાઈના બેંક ખાતામાંથી અલગ અલગ મળી કુલ 39.51 લાખ ડેબિટ થયા હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.