રાજકોટ-

શહેર કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે આજે રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી હતી. કોવીડ-19 ન્યાય યાત્રા દ્વારા કોંગ્રેસ કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને સહાય આપવામાં આવે તેને લઈને રાજ્યના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જેને લઇને આજે રાજકોટમાં હાર્દિક પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા યોજી અને અત્યાર સુધીમાં 31 હજારથી વધુ કોરોના મૃત્યુ પામેલા લોકોના પરિવારનો સર્વે કરીને તેમને સહાય માટેના ફોર્મ ભરાવવામાં આવ્યા છે. જ્યારે આગામી દિવસોમાં આ કામગીરી ચાલુ રહેશે. આ સાથે જ હાર્દિક પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો પણ કર્યા હતા. હાર્દિક પટેલે રાજકોટમાં યોજેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સરકારની બેદરકારીના કારણે 2 લાખની આસપાસ લોકોના કોરોના મૃત્યુ થયા છે. જ્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા આંકડાઓ આપવામાં આવ્યા છે પરંતુ ગુજરાત સરકાર દ્વારા માત્ર 10 હજાર જેટલા લોકોના કોરોનાથી મૃત્યુ થયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કોરોનાના સમય દરમિયાન લોકોને બેડ ન મળવાના કારણે, સારું સ્વાસ્થ્યની સુવિધાન મળવાના કારણે મોટાભાગના લોકોના મોત થયા છે. જે લોકોના કોરોનામાં મોત થયા છે. તે તમામ લોકોને સરકાર દ્વારા સહાય આપવાની પણ કોંગ્રેસ દ્વારા માગ કરવામાં આવી છે.