લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, એપ્રીલ 2026 |
વડોદરા |
1485
બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણીને લઈને થયેલી પીટીશન પર ગુજરાત હાઇકોર્ટના સિંગલ જજ દ્વારા ગત ૧૬મી માર્ચના રોજ ચુકાદો જાહેર થયો હતો જેમાં ચાર ઉમેદવારોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા જેના પગલે બીસીએ,કિરણ મોરે અને અમૂલ જીકારે ડિવિઝન બેન્ચમાં રીવીઝન અરજી દાખલ કરી છે જેની સુનાવણી ૭મી એપ્રિલ મંગળવારના રોજ થશે.
બીસીએના સૂત્રો મુજબ બીસીએના સભ્યો પ્રદીપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિ દ્વારા દાખલ કરાયેલી પીટીશનની લંબાણપૂર્વક સુનાવણી બાદ કોર્ટે પૂર્વ ભારતીય ક્રિકેટર કિરણ મોરે સહિત અમુલ જીકાર, અનંત ઇન્દુલકર અને અમર પેટીવાલેને બીસીએની ચૂંટણીના ઉમેદવાર ગેરલાયક ઠેરવ્યા હતા,જાે કે ચુકાદા સામે અપીલ કરવા ચારેવ સભ્યોને બે સપ્તાહની મહેતલ અપાઈ હતી,આ ચુકાદા બાદ બીસીએના બંને જૂથોમાં ભારે હલચલ મચી ગઇ હતી અને બેઠકોનો દોર શરૂ થયો હતો બેઠકના અંતે રીવાઇવલ જૂથને હાઇકોર્ટમાં ડિવિઝનલ બેન્ચ સમક્ષ જવાનો નિર્ણય લીધો હતો.
જેમાં કિરણ મોરે અને અમૂલ જીકારે રિવિઝન અરજી દાખલ કરી હતી.બીસીએના બંને સભ્યોએ રજૂઆત કરી હતી કે, સુપ્રીમ કોર્ટના ૨૦૨૨ના ચુકાદા મુજબ કોઈપણ વ્યક્તિ ૯ વર્ષ સુધી ક્રિકેટ સંસ્થામાં હોદ્દા પર રહી હોય તો તે ચૂંટણી લડવા માટે આપોઆપ અયોગ્ય બને છે. ઉપરાંત સતત બે ટર્મ પછી ત્રણ વર્ષનો કુલિંગ પિરિયડ ફરજિયાત છે. તેમ છતાં કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર અને અમર પેટીવાલેના ઉમેદવારીપત્રો સ્વીકારવામાં આવ્યા હતા. આ મુદ્દે ચૂંટણી અધિકારી સમક્ષ વાંધા રજૂ કરવા છતાં કોઈ ર્નિણય લેવાયો નહોતો અને ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરવામાં આવી હતી. બીજી બાજુ બરોડા ક્રિકેટ એસોસિયેશન તરફથી કોર્ટમાં દલીલ કરાઈ હતી કે સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર મેમોરેન્ડમ ઓફ એસોસિયેશનમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા છે અને ફરિયાદોના નિવારણ માટે ઓમ્બુડ્સમેનની વ્યવસ્થા પણ છે.