લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, એપ્રીલ 2026 |
2376
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ઉમેદવારી નોંધાવાની સમય મર્યાદા પૂર્ણ થવાના ગણતરીના કલાકો બાકી રહ્યાં છેત્યારે અમદાવાદ મહાનગર પાલિકાના ઉમેદવારોની ભાજપ અને કોંગ્રેસ જાહેરાત કરી શક્યુ નથી. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેર કરવાનું શરૂ કર્યું છે. જેમાં સુરેન્દ્રનગર, અરવલ્લી, વડોદરા, વાવ-થરાદ, રાજકોટ સહિતના જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.આ ઉપરાંત અમદાવાદ જીલ્લાની નગરપાલિકા એવી વિરમગામ , ધોળકાની ઉમેદવારોની યાદી જાહેર કરાઇ હતી તેમજ જીલ્લા અને તાલુકા પંચાયતની ઉમેદવારોની યાદી જાહેર થતા છેલ્લા ત્રણ દિવસથી જે યાદીની ઉત્તેજના હતી તેનો અંત આવ્યો હતો જ્યારે બીજીતરફ બોટાદ, ગાંધીનગર સહિતની નગરપાલિકા અને જીલ્લા તેમજ તાલુકા પંચાયતના ઉમેદવારો જાહેર થયા હતા.
મોડી સાંજે રાજકોટ મનપાના ઉમેદવારો જાહેર કરાયા .આ તમામ યાદી વચ્ચે એક બાબત તો સ્પષ્ટ તરી આવતી હતીકે ભાજપમાં પણ ઉમેદવારોની યાદી બાબતે ખેંચતાણ અને ભાંજગડ તો છે જ. માટે જ ગઇકાલે સીએમ હાઉસ ખાતે મેરાથોન મિટીંગ ચાલી હતી જેમાં રાત્રે ત્રણ વાગ્યા સુધી બેઠક બાદ સવારે જીલ્લા વાર નામોની યાદી જાહેર કરાઇ હતી. અમદાવાદ મહાનગરપાલિકા માટેના ઉમેદવારોની નામોની યાદી આ લખાય છેત્યાં સુધી જાહેર કરાઇ નથી હવે ઉમેદવારી માટેના ગણતરીના કલાકો બાકી છે ત્યારે હજુ સુધી નામો જાહેર ન કરાય તે બાબત ઘણુ બધુ કહી જાય છે તેવી સમગ્ર અમદાવાદમાં ચર્ચા ચાલી હતી. બીજીતરફ કોંગ્રેસ પણ પોતાના ઉમેદવારો નક્કી કરવા માટેની કવાયતમાં લાગેલી છે કોંગ્રેસમાં પણ ઉમેદવારો માટે કમઠાણ ચાલી રહ્યું હોવાનુ આંતરિક સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે..બંને પાર્ટીના કેટલાંક કોર્પોરેટરોને પોતાની ટિકિટ કપાવવાનો ભય સતાવી રહ્યો છે.
ભાજપ કાર્યકરોમાં ટિકિટને લઈ અસંમજસ: કાર્યાલયે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકવો પડ્યો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આ વખતે ભાજપને ઉમેદવારો નક્કી કરવામાં રાત-દિવસ એક કરી દેવા પડ્યા છે. ભાજપની મજબૂરી એવી થઈ ગઈ છે કે જૂના અને નવા ચહેરાઓ, જ્ઞાતિ સમીકરણ, વિસ્તારમાં કરેલા કામો, સ્વચ્છ છબી ધરાવે તેવો સમન્વય ધરાવતા દાવેદારને ટિકિટ આપવામાં ખાસ્સું કાઢવું પડે તેવી ઘડીઓ હાલ પાર્ટીમાં ગણાઈ રહી છે. ૧૧ એપ્રિલ સુધી ઉમેદવારોને ફોર્મ ભરવા માટે છેલ્લો દિવસ છે ત્યારે ૧૦ મીએ અડધા દિવસ બાદ કેટલાક વોર્ડમાં ટેલિફોનથી ઉમેદવારોને જાણ કરી દેવાતા કાર્યકરોમાં ટિકિટને લઈ આંતરિક વિખવાદ સામે આવ્યો છે. ખાનપુર શહેર ભાજપ કાર્યાલયે આજે કાર્યકર્તાઓમાં રોષથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવો પડ્યો હતો.