વડોદરા, તા. ૧૮

વડોદરા શહેરના ૫૧૧માં સ્થાપના દિનની વડોદરા પિપલ્સ ગ્રુપ દ્વારા હેરીટેજ ફેસ્ટીવલનું આયોજન કરીને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. તે સિવાય આવતીકાલે હેરીટેજ વિકનો પ્રાંરભ થતો હોવાથી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ સ્વૈચ્છિક રીતે લોકો દ્વારા વિવિધ થીમના આધારે હેરીટેજ વિકની ઉજવણી કરશે.

વિશ્વામિત્રી નદીના તટે વસેલું અને ઐતિહાસિક ધરોહર ધરાવતં કલા અને સંસ્કૃતિ નગરી વડોદરા શહેરનો ૫૧૧મો સ્થાપના દિવસ હોવાથી ઐતિહાસિક ધરોહરો વિશે યુવા પેઢીને માહિતગાર કરવા માટે વડોદરા પીપલ્સ હેરીટેજ ગ્રુપ દ્વારા હેરીટેજ ફેસ્ટીવલનો આજથી પ્રાંરભ થયો હતો. જેમાં આજે માંડવી વોક કરાવવામાં આવ્યું હતું. જેમાં યુવા પેઢીને માંડવી ગેટ , વિઠ્ઠલનાથજીના મંદિર વિશે , સરકાર વાડા , સેન્ટ્રલ લાઈબ્રેરી , જૂની સંસ્કુત મહાવિદ્યાલય બિલ્ડીંગ , ચાપાંનેર દરવાજા , જગમહાલની પોળ , નરસિંહજીનું મંદિર , દલા પટેલની પોળ , જૈન લાઈબ્રેરી , લહેરીપુરા દરવાજા , અંબામાતા મંદિર , હરિભક્તિની હવેલી , સયાજી સ્કુલ ,ટંકશાળા , ગેંડીગેટ , જામા મસ્જીદ સહિતની ઐતિહાસિક ઈમારતના વારસા વિશે ડાॅ. ચંદ્રશેખર પાટીલ દ્વારા માહિતી આપવામાં આવી હતી. તે સિવાય એમ.એસ. યુનિવર્સિટીના મ્યુઝિયોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા હેરીટેજ અને કલાઈમેટ થીમ પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમો આગામી તા. ૨૦ સુધી ચાલુ રહેશે.

વર્લ્ડ હેરિટેજ વિકનો પ્રાંરભ

આવતી કાલથી વર્લ્ડ હેરીટેજ વિકનો પ્રાંરભ થતો હોવાથી ઓરીયન્ટલ ઈન્સ્ટીટયુટ દ્વારા “ પોથીના પાન” નામના એઝીબિશનનું આયોજન કરીને ઉજવણી કરશે. તે સિવાય ચોકલેટ રેપર , વિવિધ કિટકો , પક્ષીઓ , વિવિધ પેઈન્ટીંગ , સકલ્પચર તેમજ શહેરની શાન દર્શાવતા વિવિધ ફોટોનું પણ પ્રદર્શન યોજવામાં આવ્યું છે.