ભાવનગર,ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલા ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ પાસે ખોદકામ કરતી વેળાએ ગેસલાઈનમાં ભંગાણ સર્જાતાં ગેસ લીકેજ થતાં આગ લાગી હતી. આગ ફાટી નીકળતાં હિટાચી મશીન આગની લપેટમાં આવ્યું હતું. સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર, ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ડ્રેનેજલાઈનનું કામ ચાલી રહ્યું છે. એમાં આજે બુધવારે સવારના સમયે બીએમસીની ટીમ દ્વારા ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ પાસે ડ્રેનેજલાઈનનું ખોદકામ ચાલી રહ્યું હતું. એ સમયે ભૂગર્ભ ગેસલાઈન તૂટતાં ગેસ લીક થયો હતો. આથી ખોદકામ કરતો હિટાચી મશીનનો ચાલક વાહન ઘટનાસ્થળે છોડી દૂર જતો રહ્યો હતો. એ દરમિયાન આગ લાગતાં હિટાચી મશીન આગની લપેટમાં આવી ગયું હતું. આ અંગે ફાયરબ્રિગેડ તથા ગુજરાત ગેસના અધિકારીઓને જાણ કરાતાં બંને કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. એમાં ગેસનો પ્રવાહ બંધ કરાવી ફાયરબ્રિગેડના જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં હિટાચી મશીનને ખાસ્સું નુકસાન થયું હતું, જ્યારે અન્ય કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી.
Loading ...