લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, માર્ચ 2025 |
અર્કેશ જાેશી |
6138
હિન્દુ સમાજની સૌથી મોટી વિશેષતા તેના નીરક્ષીરવિવેકમાં રહેલી છે. કોઈ વ્યક્તિ માટે આ સમાજ તેની જાતિ કે ધર્મના આધારે અભિપ્રાય બાંધતો નથી, પરંતુ તેનામાં કરેલા ગુણ અને અવગુણના આધારે તેનું મુલ્યાંકન કરે છે. અહીં બ્રાહ્મણ કુળમાં જન્મેલો રાવણ પણ રાક્ષસ ગણાય છે, અને દાનવોના ગુરુ શુક્રાચાર્યને પણ ઋષિનું સ્થાન અપાય છે. દાસીપુત્ર વિદુરને પણ મંત્રીનું પદ મળી શકે છે અને સ્વયં ભગવાન તેના ઘરે પ્રેમથી ભાજી આરોગવા જાય છે, તો પિતાનું નામ ન જાણતા સત્યકામ જાબાલાની સત્યનિષ્ઠા જાેઈને તેને માતાના નામે ઓળખ આપીને ગુરુકુળમાં ગુરુ જ્ઞાન આપે છે.
હોળીના ઉત્સવ પાછળની કથા આપણે એટલી જ જાણીએ છીએ પણ તેના બીજા દિવસે ધુળેટી શા માટે ઉજવાય છે? ધુળેટીનાં બધા એકબીજાને પાણી ઉડાડે, રંગો વડે રંગે, અને ઘણી વખત તો બહુ તાનમાં આવી જાય તો ઘણા બીજાને કાદવમાં પણ રગદોળી મજા લેતા હોય, તે પ્રથા કેવી રીતે શરુ થઈ?
તમને નવાઈ લાગશે કે ધુળેટી હોલિકા અને તેના પ્રેમી ઈલોજીના સાચા હ્ય્દયના પણ અધુરા રહેલા પ્રેમની યાદ જીવંત રાખવા માટે ઉજવાય છે!
હોલિકાને આપણે એક રાક્ષસીના રૂપમાં જ યાદ કરીએ છીએ.વાસ્તવમાં હોલિકા એ રાક્ષસી નહીં, પણ બીજી બધી જ યુવાન કન્યાઓ જેવી જ લાગણીથી ભરેલી, સંવેદનાઓથી છલકાતી એક પ્રેમાળ જાેબનવંતી કન્યા હતી. પ્રહલાદ તો તેનો ભત્રીજાે હતો અને તે નાનો પણ હતો. કોઈ પણ ફોઈને પોતાના ભત્રીજા માટે કુદરતી રીતે જ વહાલ જાગે, તેમ તેના મનમાં પણ જાગતુ હતુ. પ્રહલાદ તેનો લાડકો હતો. તેને તે ખુબ પ્રેમ કરતી હતી.
પોતાનો ભાઈ હિરણ્યકશ્યપુ સગા દીકરાનો જીવ લેવાના કારસા કરે છે, તે તેના હ્ય્દયને કોરી ખાતુ હતુ. તેણે હિરણ્યકશ્યપુને આમ ન કરવા માટે અનેક વખત સમજાવ્યો હતો. પણ તેના પ્રયાસો વિફળ રહ્યા.
હોલિકાનો એક પ્રેમી હતો, ઈલોજી. હોલિકા ઈલોજીના પ્રેમમાં પાગલ હતી, અને ઈલોજીના મનોરાજ્યમાં હોલિકાનું સ્થાન એવું અદકેરું હતુ કે સ્વર્ગની અપ્સરા પણ તે સ્થાન લઈ ન શકે! જાણે એકબીજા માટે જ બન્યા હોય તેવી પ્રેમી પંખીડાની આ જાેડી લોકમુખે અવી રીતે ચર્ચાતી હતી કે સાચો પ્રેમ કોને કહેવાય તે જાેવું હોય તો જાેઈ લો હોલિકા અને ઈલોજીને!
હિરણ્યકશ્યપુને કોઈ વાંધો નહતો આ પ્રેમ માટે, અને તેણે તો બહેનની ખુશીને વધાવી લેતા ઈલોજી સાથે તેના લગ્નની તિથિ પણ પણ નક્કી કરી દીધી હતી.
બંને પ્રેમીઓ કાયમ માટે સાથે જીવન ગુજારવાના સપના સાકાર થવાની ઘડીઓ ગણતા હતા. ક્યારે લગ્નનો દિવસ આવે તેની પ્રતીક્ષામાં પળ પળ વ્યાકુળ રહેતા હતા. તો બીજી તરફ હિરણ્યકશ્યપુના પ્રહલાદને મારવાના એક પછી એક બધા જ ઉપાયો નિષ્ફળ જતા તે આકુળવ્યાકુળ થઈ ગયો હતો.
તેને યાદ આવ્યુ કે હોલિકાને અગ્નિમાં નહીં બળે તેવું વરદાન છે, એને તેણે તેને પ્રહલાદને લઈ અગ્નિમાં બેસવા માટે આદેશ કર્યો. હોલિકાએ પહેલા તો ભારે વિરોધ કર્યો, અને પોતાના વહાલા ભત્રીજાના મૃત્યુ માટે હાથો બનવાની સ્પષ્ટ ના કહી દીધી.
પણ હિરણ્યક્શ્યપુ તેની નબળી કડી જાણતો હતો. તેણે છેલ્લે ધમકી આપી કે જાે તું આમ નહીં કરે તો તારા ઈલોેજી સાથે લગ્ન થવા નહીં દઉં.
એક તરફ વહાલસોયા ભત્રીજા અને બીજી તરફ પ્રાણથી પણ વધુ પ્રેમ જેને કરતી હતી તે ઈલોજી વચ્ચે તેને પસંદગી કરવાની હતી. અંતે ઈલોજી માટેનો પ્રેમ જીત્યો.
જે દિવસે તે પ્રહલાદને લઈને હોળીમાં બેઠી તે તેના લગ્નનો દિવસ હતો. પોતાને તો વરદાન હોવાથી કંઈ થવાનું નથી તે પોતે પણ માનતી હતી, તેનો ભાઈ પણ માનતો હતો અને પ્રેમી પણ.
પણ બન્યું કંઈક જુદું જ. ઈલોજી વરઘોડો કાઢીને હોલિકાને પરણવા માટે તૈયારી કરતો હતો તે જ વખતે વાયુવેગે ફેલાઈ ગયેલી વાત તેના કાન પર પડી કે હોેલિકા ભસ્મિભુત થઈ ગઈ!
મન પર ઓચિંતો આ વજ્રાઘાત થતા તે સહન કરી શક્યો નહી.સાનભાન ગુમાવી પાગલની માફક ચીસો પાડતો, દોડતો દોડતો તે ત્યાં પહોંચ્યો જ્યાં તેની પ્રેયસી રાખ બની ગઈ હતી.
આગમાં હોલિકા બળી મરી હતી. તેની ગરમ ગરમ રાખ ચારેકોર ફેલાયેલી હતી. ગાંડાની જેમ ઈલોજી તે રાખમાં આળોટવા માંડ્યો. રડતો, ચીસો પાડતો, પાગલ બની ગયેલો ઈલોજી કંઈ કેટલાય સમય સુધી રાખમાં આળોટતો રહ્યો, શરીરને પોતાની પ્રેમિકાના અવશેષોમાં રગદોળતો રહ્યો. અને પછી છેલ્લે થાકીને ગામ છોડીને જંગલમાં જતો રહ્યો. આખી જીંદગી જંગલમાં પાગલની જેમ ભટકતા ભટકતા તેણે પુરી કરી.
જે સમાજ પ્રહલાદનું રક્ષણ થયાની ખુશી મનાવે છે તે જ સમાજ હોલિકા અને ઈલોજીના સાચે પ્રેમની યાદમાં ધુળેટી પણ ઉજવે છે.
રાજસ્થાનમાં ઈલોજી લોકદેવતા તરીકે આજે પણ પુજાય છે. નાગૌર અને અન્ય ઘણા સ્થળે ઈલોજી મહારાજના મંદિરો છે.