વડોદરા, તા.૨૮

શહેરના ન્યુ સમા વિસ્તારમાં આવેલ નૂતન વિદ્યાલયના શિક્ષકે વિદ્યાર્થીને લાફાઓ માર્યા હોવાના ઘટના સામે આવી હતી.આ ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવતા પિડિત વિદ્યાર્થીનાં વાલી સહિત શાળાનાં વાલીઓમાં ભારે રોષ સાથે આક્રોશ જાેવા મળી રહ્યો છે. સમગ્ર ઘટનાને સીસીટીવીમાં જાેયા બાદ તેની ગંભીરતા ને લઇને વાલીઓએ શાળા સંચાલકો સમક્ષ શિક્ષક સામે કડક શિક્ષાત્મક પગલા લેવાની માંગ કરી વાલીઓએ હોબાળો મચાવ્યો હતો.ગત ૧૨મી ડિસેમ્બરનાં રોજ ન્યુ સમા ખાતે આવેલ નૂતન વિદ્યાલયમાં ધોરણ ૯માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષકે બેરેહમી થી માર માર્યો હતો. અને તેના કારણે વિદ્યાર્થીનાં કાનમાં ગંભીર ઇજાઓ પોંહતી હતી. ત્યારે આ ઘટનામાં મારમારતા શિક્ષક અનિલભાઇને સીસીટીવીમાં જાેતા વાલીઓમાં રોષ ફાટી નિકળ્યો હતો.

પહેલા જયારે આ ઘટના બની ત્યારે વાલીઓ અને શાળા સંચાલકો સામે શિક્ષકે માફી માંગી હતી. અને મામલો થાળે પડયો હતો. પરંતુ વિદ્યાર્થીને માર મારતો સીસીટીવી ફુટેજ જાેતા ફરી વાલીઓ રોષે ભરાયા હતા. અને શિક્ષકને શાળામાંથી ડિસમિસ કરવાની માંગ કરી છે.

શાળાના આચાર્યે વાલીઓને કાર્યવાહીની ખાતરી આપી

 શાળાનાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ રતિલાલ પટેલે વાલીઓેને ખાત્રી આપી છે કે આ અંગે શાળા સંચાલકો જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને જાણ કરશે. શિક્ષકને ડિસમિસ કરવાની સત્તા જીલ્લા શિક્ષણ અધિકારી કચેરીને છે. ડીઇઓ કચેરી જે કાર્યવાહીનો આદેશ આપશે તેને શાળા અમલ કરશે. વાલીઓની રજુઆતને ગંભીરતાથી લેવામાં આવી છે.