24, મે 2021
3267 |
દિલ્હી-
બંગાળની ખાડીમાં આકાર પામેલ વાવાઝોડુ યાસ, સિવીયર સાયકલોનિક સ્વરૂપે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળની વચ્ચે આવતીકાલ મંગળવારની મોડી રાત્રીએ અને બુધવારની વહેલી સવારે ત્રાટકે તેવી સંભાવના છે. બંગાળની ખાડીમાં રહીને વાવાઝોડુ યાસ વધુને વધુ મજબૂત બની રહ્યું છે. જે સિવીયર સાયક્લોનિક સ્ટ્રોમ રૂપે કિનારે ત્રાટકશે.
આવતીકાલ 25 મે અને 26મી મેના રોજ વાવાઝોડુ યાસ, મુખ્યત્વે ઓરિસ્સાના દરિયાકાંઠે પારાદીપની આજુબાજુ જ ત્રાટકશે. પરંતુ આ વાવાઝોડાની અસર પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં પણ જોવા મળશે. યાસ વાવાઝોડુ જ્યારે દરિયાકાંઠે ત્રાટકશે ત્યારે પવનની ઝડપ પ્રતિ કલાકે 180 કિલોમીટરની રહેવાની ધારણા છે. જો કે પવનની ઝડપમાં હજુ પણ વધારો થઈ શકે છે તેમ હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યુ છે. વાવાઝોડા યાસને પગલે બંગાળની ખાડીનો દરિયા ભારે તોફાની બનશે. દરિયામાં 3 થી 4 મિટર ઊંચા ( 9 થી 12 ફુટ ) મોજા ઉછળવાની સંભાવના છે. ઉતર આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ અને બાગ્લાદેશમાં આવેલ દરિયો આવતીકાલ 25 અને 26મી મેથી ગાંડોતૂર બને તેવી સંભાવના છે.