વડોદરા, તા. ૮

રાજયમાં છેલ્લા કેટલાક સમયથી પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીની કચેરીના અધિકારી બાદ કેન્દ્રિય અને રાજયકક્ષાના મંત્રીઓના પીએ તરીકેની બોગસ ઓળખ આપવાનો સિલસિલો હવે વડોદરા સુધી આવી પહોંચ્યો છે. શહેરના છેવાડે ગોલ્ડનચોકડી પાસેના સર્વિસરોડ પર ગત મધરાતે રોડ પર ઉભા રહેલા યુવકોને ટ્રાફિક પોલીસે સાઈડમાં ઉભા રહેવાનું કહેતા જ નશામાં ધુત ત્રિપુટીએ અપશબ્દો બોલી પોલીસ પર હુમલો કર્યા બાદ એક યુવકે યુવકે ‘હું ગૃહમંત્રીનો પીએ છું, કાલે તમારી બદલી કરાવી દઈશ’ તેવી ધમકી આપી હતી. ધમકી બાદ કારમાં ફરાર થઈ રહેલા યુવકને ઝડપી પાડવા પોલીસે પીછો કરતા યુવકના અન્ય સાગરીતોએ પોલીસનો પીછો કર્યો હતો. બનાવની ગંભીરતા જાેતા આ અંગેની પોલીસે કન્ટ્રોલ રૂમમાં જાણ કરતા પોલીસની અન્ય ગાડીઓ હાઈવે પર દોડી આવી હતી જેના પગલે ત્રિપુટી ઝડપાઈ જતાં તેઓની ધરપકડ કરાઈ હતી.

શહેર ટ્રાફિક શાખા પુર્વ ઝોનના હેડ કોન્સ્ટેબલ નવીનચંદ્ર મથુરભાઈ ગત રાત્રે ટ્રાફિક બ્રિગેડના ડ્‌ાઈવર જ્યોતિષકુમાર પરમાર સાથે સ્પિડ ગન વન મોબાઈલમાં પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. તેઓ હાઈવે પર ગોલ્ડનચોકડી પાસેના સર્વિસરોડ પર આવેલા પારસ ઢાબા પાસેથી પસાર થતાં હતા તે સમયે તેઓએ રોડ પર ઉભા રહેલા બે યુવકોને સાઈડમાં ઉભા રહીને વાત કરવા જણાવ્યું હતું. પોલીસની વાત સાંભળીને બંને યુવકો એકદમ પોલીસની ગાડી પાસે ગયા હતા જે પૈકીના એક વરુણ નારાયણભાઈ પટેલ (દરજીપુરાગામ, વડોદરા)ને નવીનચંદ્ર ઓળખી ગયા હતા. બંને યુવકોએ દારૂનો નશો કરેલી હાલતમાં પોલીસની ગાડીનો દરવાજાે ખોલી તમે કેમ અહીંયા આવ્યા છો ? તેવું પુછ્યું હતું. નવીનચંદ્રએ યુવકોને દારૂનો નશો કર્યો હોવાનું કહેતા જ તેઓએ ઉશ્કેરાઈને તમે ટ્રાફિકવાળા છો તમારે કોઈ લેવાદેવા નથી તેમ કહીને ડ્રાઈવર સાથે ઝપાઝપી કરીને ડ્રાઈવરને રોડ પર પછાડીને ઈજા પહોંચાડી હતી.

આ હુમલામાં નવીનચંદ્રએ દરમિયાનગીરી કરતા તેમને પણ અપશબ્દો બોલીને બંને યુવકોએ છુટ્ટાહાથની મારામારી કરી હતી જે પૈકી વરુણ પટેલે ધમકી આપી હતી કે ‘હું ગૃહમંત્રીનો પી.એ.છું, હું કાલે તમારી બદલી કરાવી દઈશ, તમે અહીંયા કેવી નોકરી કરો છો’ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ધમકી બદલ નવીનચંદ્રએ તેને પકડવાનો પ્રયાસ કરતાં તે નજીક ઉભેલી સફેદ રંગની કિયા કારમાં બેસીને ભાગ્યો હતો. નવીનચંદ્ર અને ડ્રાઈવરે વરુણનો પીછો કરતા જ વરુણના સાગરીતોએ થાર અને અન્ય એક સફેદ રંગની કારમાં પોલીસનો પીછો કર્યો હતો અને પોલીસની વાનની આગળ-પાછળ કાર હંકારી હતી. આ બનાવના પગલે નવીનચંદ્રએ સવા બે વાગે પોલીસ કન્ટ્રોલ રૂમમાં વાયરલેસ મેસેજથી જાણ કરી હતી. નવીનચંદ્ર હરણી પોલીસ મથકે આવતા વરુણના સાગરીતોએ પોલીસ મથક સુધી પીછો કર્યો હતો પરંતું ત્યાં હરણી પીઆઈની ગાડી અને પીસીઆર વાન આવી જતા પોલીસે કોર્ડન કરીને વરુણ પટેલ તેમજ તેના બે સાગરીતો આકાશ સુરેશભાઈ પટેલ (હરણીગામ, મોટુ ફળિયું) અને પિનાક વિનેશભાઈ પટેલ (હરણીગામ)ને નશો કરેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા. આ બનાવની નવીનચંદ્રની ફરિયાદના પગલે હરણી પોલીસે ઉક્ત ત્રિપુટીની હુમલો અને ધમકીના ગુનાની તેમજ દારૂબંધીના ગુનાની બે ફરિયાદો નોંધી હતી.


ગૃહમંત્રીના પીએની બોગસ ઓળખ આપી છતાં તેનો ગુનો નહીં નોંધ્યો

પોલીસ પર હુમલો કરનાર વરુણ પટેલે પોતે ગૃહમંત્રીનો પીએ હોવાની બોગસ ઓળખ આપી પોલીસની બદલી કરાવી દેવાની ધમકી ઉચ્ચારી હતી. તાજેતરમાં રાજ્યમાં સરકારી અધિકારી કે કર્મચારીની બોગસ ઓળખ આપી ઠગાઈ કરતા ઝડપાયેલા ગઠિયાઓ વિરુદ્ધ પોલીસે બોગસ ઓળખ આપવા બદલનો અલાયદો ગુનો નોંધ્યો છે, પરંતુ ગત રાતના કિસ્સામાં પોલીસે વરુણ વિરુદ્ધ બોગસ ઓળખ આપવાનો ગુનો નહી નોંધતા પોલીસ કામગીરીએ વિવાદ ઉભો કર્યો છે.

રાજ્યગૃહમંત્રી હર્ષ સંઘવીએ આરોપીઓના સાથે ખભે હાથ મુકેલા ફોટા વાયરલ થયાં

ગત રાત્રે ટ્રાફિક પોલીસને જાહેરમાં અપશબ્દો બોલીને માર માર્યા બાદ પોલીસને બદલી કરાવી દેવાની ધમકી આપનાર વરુણ પટેલ અને આકાશ પટેલ તેમજ પોલીસનો પીછો કરનાર સાગરીતો પણ ભાજપા સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે. એટલું જ નહીં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પૈકીના વરુણ પટેલ અને આકાશ પટેલ સાથે તેઓના ખભે હાથ મૂકીને ફોટા પડાવ્યાં હતાં, જે ફોટા આ બંનેએ સોશ્યલ મીડિયા પર મૂક્યા હતા, જે આજે બંનેની ધરપકડ થતાં વાયરલ થયા હતા.

નશેબાજાે પોલીસ પર હુમલો કરતા છેક પોલીસ મથક સુધી પહોંચી ગયા!

રાત્રે દારૂનો નશો કરીને મધરાતે વૈભવી કારોમાં ફરીને રોડ વચ્ચે ઉભા રહીને ટોળટપ્પા કરતા નબીરાઓની હિમ્મત એટલી હદે વધી ગઈ હતી કે તેઓએ પોલીસની ગાડીનો પીછો કરીને તેઓની આગળ પાછળ ગાડી હંકારીને પોલીસને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહી ટ્રાફિક પોલીસની ગાડી હરણી પોલીસ મથકે પહોંચતા આ ટોળકી ઠેક પોલીસ મથક સુધી પહોંચી ગઈ હતી. નશેબાજ ત્રિપુટી અને તેઓના સાગરીતોને કોનું પીઠબળ છે કે તેઓને પોલીસનો કોઈ જ ડર નથી રહ્યો ?. જાે તે દિશામાં પોલીસ તપાસ થાય તો ઘણી વિગતો સપાટી પર આવશે.