રાજપીપળા, તા. ૨૧

લોકસભા ૨૦૨૪ની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં હાલ ભરૂચ બેઠકના કારણે રાજકારણ ગરમાયુ છે. ભરૂચ બેઠક પર ભાજપના મનસુખ વસાવા અને આપણા દેદિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આમને સામને આવી ગયા છે. ભાજપ દ્વારા હજી ઉમેદવાર જાહેર કરાયા નથી. ત્યારે આપ દ્વારા ભરૂચ બેઠક માટે ચૈતર વસાવાની જાહેરાત કરાઈ દેવામાં આવી છે. જેથી બન્ને દ્વારા આમને સામને નિવેદન બાજી કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ એક જાહેરસભામાં ચૈતર વસાવાએ નિવેદન કર્યું હતું કે, આમ આદમી પાર્ટીએ મને ભરૂચ બેઠક પર ઉમેદવાર જાહેર કર્યો. એટલે ભાજપનો ગરબો ઘરે જતો રહેવાનો છે. પીએમ મોદી, રાહુલ ગાંધી કે મુમતાઝ પટેલ પણ મારી સામે ઉમેદવારી કરે તો પણ હું ભરૂચ બેઠક જીતવાનો જ છું. જયારે તેના જવાબમાં મનસુખ વસાવાએ નિવેદન કરતા જણાવ્યું હતું કે, ચૈતર વસાવાના આવા નિવેદન તદ્દન મુર્ખામી ભર્યા છે.

મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, તાકાત હોય તો કેજરીવાલ કે ઈસુદાન ગઢવી પીએમ મોદીની સામે વારાણસીથી ચૂંટણી લડી બતાવે. ચૈતર વસાવા બોગસ નિવેદન કરે છે. એ તો રાજકારણમાં નવો નિશાળીયો છે. ચૈતર વસાવાને દુઃખે છે પેટ અને કુટે છે માથું. કોંગ્રેસ અને આપના ગઠબંધનની અકળામણ ચૈતર વસાવા ભાજપ પર ઢોળે છે. ઈન્ડિયા ગઠબંધનમાં બાળક જન્મે તે પેહલા નામકરણ કર્યું તેવી સ્થિતીનું નિર્માણ થયું છે. આમ આદમી પાર્ટીના લોકસભાના ઉમેદવારો ડિપોઝીટ ગુમાવશે તે નક્કી છે. દિલ્હી, પંજાબ સરકારમાં એટલા ભ્રષ્ટાચાર છે કે, એમની સરકારના મંત્રીઓને જેલમા જવું પડ્યું છે. આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને વિશ્વાસમાં લીધા વગર ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યો એટલે કોંગ્રેસ નારાજ છે.