વડોદરા, તા.૧૭

ભાજપ સાથે છેડો ફાડ્યા બાદ મધુ શ્રીવાસ્તવે આજે વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ફોર્મ ભરતાં સમયે રેલી કાઢતાં પૂર્વે કાર્યકરોને સંબોધતાં મધુ શ્રીવાસ્તવે કાર્યકરોને જણાવ્યું હતું કે, તમે કોઈનાથી ડરતા નહીં, આ બાહુબલી હજી જીવે છે. મારા કાર્યકરને કોઈનાથી ડરવાની જરૂર નથી, કોઈ તમારો કોલર પણ પકડે ને તો તેના ઘરે જઈને ગોળી ના મારું તો હું મધુ શ્રીવાસ્તવ નહીં. જેને લડવું હોય એ મેદાનમાં આવી જાય. તમારે કોઈનાથી ડરવાની જરૂર નથી. હિન્દુસ્તાન આઝાદ છે, કોઈ ધમકી આપતું હોય કે આ કરીશ, એ કરીશ તો હું છું, તમારે ડરવાની જરૂર નથી. હુું જ્યારે મેદાનમાં નિકળ્યો હોય ને ત્યારે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કદાચ કોઈ તમને ધમકી આપશે, પણ તમે ડરતા નહીં. વાઘોડિયા અને વાઘોડિયા તાલુકામાં જે ગેરકાયદે મકાનો છે એને હું કાયદેસર કરી આપીશ, એ મારું વચન છે.

આ પૂર્વે પણ પ્લાસ્ટિકની બંદૂકમાંથી ગોળી ફોડનાર મધુ શ્રીવાસ્તવે વધુ એક વખત ગોળી મારવાની ધમકી આપી છે. આમ દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના ફરી વિવાદાસ્પદ નિવેદનને લઈ ખળભળાટ મચ્યો હતો. જાે કે, સતત ૬ ટર્મથી ધારાસભ્યપદે ચૂંટાતા મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધાવતાં આ બેઠક પર ચતુષ્કોણીય જંગ જામે તેવી શક્યતા છે.