ગાંધીનગર-

ગુજરાત અને દેશની રાજનીતિમાં ભૂકંપ લાવી દેનારા પૂર્વ સીએમ અને કોંગ્રેસના પીઢ નેતા માધવસિંહ સોલંકી આજે તેઓનો 93મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. ત્યારે ઝી 24 કલાકના શીર્ષસંવાદ કાર્યક્રમમાં તેઓએ એડિટર દિક્ષીત સોની સાથે રાજકીય પીટારો ખોલ્યો હતો. ચાર વાર ગુજરાતના મુખ્યમંત્રી પદે તેઓ રહી ચૂક્યા છે. ગુજરાતમાં કોંગ્રેસ કેમ 25 વર્ષથી વિપક્ષની પાટલીએ બેઠી છે તે સવાલનો જવાબ પણ દિલ ખોલીને આપ્યો હતો. તેઓની મધ્યાહન ભોજન યોજના સમગ્ર દેશ માટે આર્શીવાદ સમાન સાબિત થઈ છે. અત્યારની રાજનીતિમાં તમને નીતિ જણાય છે તે અંગે તેઓએ કહ્યુ કે, રાજનીતિમાં શું છે અને શું છે તે કહેવુ મુશ્કેલ છે. રાજનીતિ કરનારાઓમાં કેટલીકવાર નીતિનો અભાવ દેખાય છે. સત્યથી વેગળુ વર્તન કરવું, બોલવું, ચાલવું, વાત ફેરવી તોળવી આ બધું સામાન્ય નીતિમત્તાની બહારની વસ્તુ છે. એ ન હોવી જાેઈએ. પણ હકીકતમાં આવું બધું છે.

પક્ષપલટો કરનારાઓ વિશે તેઓએ કહ્યુ કે, કસમનસીબી એ છે કે, એવા કિસ્સા પણ સાંભળ્યા કે, ત્રણ વખત પક્ષપલટો કરનારા પણ આપણે ત્યાં છે. તેઓને ટેકો આપનારા લોકો આપણે ત્યાં છે તે આપણી કમનસીબી છે. રાજનીતિમાં તમે કેવી રીતે આવ્યા તે વિશે કહ્યુ કે, મારે વિધાનસભામાં જવુ જ ન હતું, મારે વકીલાત કરવી છે. બાબુભાઈએ મારું નામ લીધું હતું. બીજા દિવસે મારું નામ પેપરમાં આવ્યું ત્યારે મને ખબર પડી કે ચૂંટણીમાં ઉમેદવાર તરીકે મારું નામ છે. ગુજરાતમાં છેલ્લા ૨૫ વર્ષથી કોંગ્રેસ સંઘર્ષ કરી રહ્યુ છે તેના માટે કયુ કારણ જવાબદાર છે તે વિશે તેઓએ જવાબ આપ્યો કે, પક્ષમાં મુખ્ય કારણ નેતાગીરીનું છે. જ્યાં નેતાગીરી નબળી પડે ત્યાં કોંગ્રેસના હાથમાંથી સત્તા જાય છે. કેટલીક ગરબડ એવી છે કે, કોંગ્રેસમાં નીચે વહીવટ કરવો હોય તો દિલ્હીથી ઘણી દાખલ થાય છે.

ગુજરાતમાં તંત્ર સારી રીતે ગોઠવાય અને દિલ્હીથી બહુ દોરીસંચાર ન થાય તો કોંગ્રેસ ફરી બેઠી થઈ શકે છે. હાર્દિક પટેલને પક્ષમાં સોંપાયેલી જવાબદારી વિશે તેઓએ કહ્યુ કે, કોંગ્રેસ આગેવાનોએ ડહાપણપૂર્વક હાર્દિકને આ જવાબદારી સોંપી છે.