જો તમે ખાવાના શોખીન છો તો તમે ઉપવાસમાં પણ નવીનતા ઈચ્છો તે સ્વાભાવિક છે. હાલમાં શિયાળાની સીઝન છે. જો તમે એકની એક સૂકી ભાજી ખાઈને કંટાળી ચૂક્યા છો તો તમે ઉપવાસ માટે કાચા કેળાનું શાક ટ્રાય કરી શકો છો. આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે અને સાથે જ તેમાં કોઈ ખાસ મહેનત કરવાની નથી. સિમ્પલ રેસિપીની મદદથી તમે નવો ટેસ્ટ માણી શકો છો. આ શાક તમે રાજગરાની પૂરી સાથે કે પછી ફરાળી લોટની રોટલી સાથે પણ ખાઈ શકો છો. કેળામાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે અને સાથે જ તેના ઉપયોગથી તમારો સ્ટેમિના પણ વધે છે. જેથી ઉપવાસમાં તમને મુશ્કેલી પડતી નથી.
કાચા કેળાનું શાક
સામગ્રી:
4 નંગ કાચા કેળાં,1 ચપટી હળદર,4 નંગ લીલા મરચાં,1 ટીસ્પૂન જીરૂં,1 ટીસ્પૂન સિંગોડા લોટ,2 ટીસ્પૂન કોથમીર સમારેલી,2 ટીસ્પૂન દહીં,2 ટીસ્પૂન લીંબુનો રસ,2 ટીસ્પૂન તેલ,1/2 કપ મીઠો લીમડો,મીઠું સ્વાદ અનુસાર.
રીત:
કાચા કેળાંનું શાક બનાવવા માટે સૌપ્રથમ તેને છોલીને, કટ કરીને તેને મીઠાના પાણીમાં પલાળી રાખો. આમ કરવાથી તેનો રંગ બદલાશે નહીં. હવે તેને હળદરના પાણીમાં પલાળીને બાફી લો. કેળા સોફ્ટ થાય ત્યાં સુધી બાફો. હવે કેળામાંથી વધારાનું પાણી નીતારીને તેને એકબાજુ પર મૂકી દો. એક મિક્સિંગ બાઉલમાં દહીં, હળદર અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરો. ગરમ તેલમાં જીરૂં ઉમેરો. જીરૂં લાલ થાય એટલે તેમાં મીઠો લીમડો અને લીલા મરચાં ઉમેરીને સાંતળો. હવે તેમાં દહીંવાળું મિશ્રણ ઉમેરો. દહીંમાં વઘાર બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં કેળા ઉમેરીને બરાબર મિક્સ કરો. કેળાં પર બધો જ મસાલો ચઢી જાય એટલે ગેસ બંધ કરી દો. હવે તેના પર કોથમીર, શિંગોડા લોટ અને લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ગરમા-ગરમ શાકને સર્વ કરો. ઉપવાસમાં આ ફરાળી શાક ખાવાથી સ્ટેમિના બની રહે છે.
Loading ...