લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, એપ્રીલ 2026 |
સુરત |
2673
ગઇ તા.૨૮મી ફેબ્રુઆરીએ અમેરિકા-ઇઝરાયેલ દ્વારા ઇરાન પર કરવામાં આવેલા હુમલા બાદથી ખોરવાયેલી સુરતથી દુબઇની ડાયરેક્ટ ફ્લાઇટ હજુ પણ નજીકનાં ભવિષ્યમાં શરૂ થાય તેવી કોઇ શક્યતા દેખાતી નથી. સુરતથી દુબઇ અને દુબઇથી સુરત એમ ડાયરેક્ટ ફ્લાઇટનું સંચાલન કરતી એરલાઇન એર ઇન્ડિયા એક્ષપ્રેસ દ્વારા સુરતથી દુબઇની સીધી ફ્લાઇટ માટે તા.૩ મે ૨૦૨૬થી બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. એ પહેલા સુરતથી વન સ્ટોપ ફ્લાઇટ ઉપલબ્ધ છે.
સુરતનાં અનેક હીરા ઉદ્યોગપતિઓ કે પછી યુરોપ કે અમેરિકાનાં પ્રવાસે જનારા મુસાફરો દુબઇ કે અબુધાબીથી ફ્લાઇટ પકડતા હોય છે. સુરતથી દુબઇ કે શારજાહની ફ્લાઇટ અને ત્યાંથી યુરોપ કે અમેરિકાની ફ્લાઇટ પકડી શકાય છે. પરંતુ, મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિને કારણે સુરતથી યુએઇની સીધી ફ્લાઇટ બિલકુલ બંધ થઇ ગઇ છે અને એ આગામી તા.૨ મે સુધી ચાલુ થાય તેવી કોઇ જ શક્યતા દેખાતી નથી. આથી આગામી એક મહિના દરમિયાન જે પણ મુસાફરો દુબઇ કે ત્યાંથી યુરોપ અમેરિકા જવાનું આયોજન કરી રહ્યા છે તેમણે મુંબઇ કે નવી દિલ્હીથી જ ફ્લાઇટ પકડવી પડશે.
એર ઇન્ડિયા એક્ષપ્રેસ દ્વારા સુરતથી દુબઇની સીધી ફ્લાઇટનું બુકિંગ આગામી તા.૩ મેથી શરૂ કર્યું છે. એર ઇન્ડિયા એક્ષપ્રેસની વેબસાઇટ પર તા.૩ મેએ સુરતથી દુબઇ ફ્લાઇટ માટે રૂ.૨૫ હજાર સિંગલ સાઇડ ટ્રીપનો ફેર વસૂલ કરવામાં આવી રહયો છે. એનો મતલબ એ કે જ્યારે પણ સુરતથી દુબઇ અને દુબઇથી સુરતની ફ્લાઇટ શરૂ થશે ત્યારે જે રિટર્ન ટિકીટ રૂ.૨૫ હજારમાં મળતી હતી હવે તેના ડબલ રૂપિયા ચૂકવવા પડશે. કારણકે એર ટર્બાઇન ફ્લુઅલનો ચાર્જ વધી ગયો છે અને તેને કારણે ટિકીટનાં ભાવ પણ ડબલ થઇ જવા પામ્યાં છે.