ઈમરાન ખાનનું મોટું નિવેદન: તાલિબાન સૈન્ય નથી, પરંતુ સામાન્ય નાગરિક છે

ઇસ્લામાબાદ-

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને તાલિબાનને લઈને પોતાની ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે. તેમણે કહ્યું કે, તાલિબાન સામાન્ય નાગરિક છે, સૈન્ય સંગઠન નથી. તાલિબાન અંગે ઇમરાન ખાનનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે અફઘાનિસ્તાનમાં લોહિયાળ સંઘર્ષ ચાલી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, તાલિબાન અફઘાનિસ્તાન પર કબજો કરવા સતત પ્રયાસ કરી રહ્યું છે, અને અમુક અંશે તે સફળ પણ થયું છે. તાલિબાન પર પાકિસ્તાનના વડા પ્રધાને કહ્યું હતું કે, આપણા દેશમાં લગભગ 30 લાખ શરણાર્થીઓ વસે છે અને પાકિસ્તાન તેમની વિરુદ્ધ કાર્યવાહી કેવી રીતે કરી શકે. પાકિસ્તાન સામે ઘણા સમયથી આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે, તે તાલિબાનને મદદ કરી રહ્યું છે. તે અફઘાન સરકાર વિરુદ્ધ તાલિબાનને સૈન્ય, નાણાકીય અને ગુપ્ત માહિતી પ્રદાન કરે છે. ઈમરાને આ આરોપોને જોરદાર રીતે ફગાવી દીધો હતો અને કહ્યું કે, તે સંપૂર્ણપણે ખોટું છે. તેમણે દાવો કર્યો હતો કે, અફઘાનિસ્તાનમાં અમેરિકન યુદ્ધ દરમિયાન હજારો પાકિસ્તાનીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. તે પણ જ્યારે પાકિસ્તાનને આ યુદ્ધ સાથે કંઈ લેવાદેવા ન હતું. રાષ્ટ્રપતિ અશરફ ગનીએ 'મધ્ય અને દક્ષિણ એશિયા પ્રાદેશિક સંપર્ક: પડકારો અને અવસર' વિષય પર એક પરિષદમાં જણાવ્યું હતું કે, ગુપ્તચર એજન્સીઓનો અંદાજ છે કે, છેલ્લા મહિનામાં પાકિસ્તાન અને અન્ય સ્થળોથી 10,000 થી વધુ જેહાદી લોકો અફઘાનિસ્તાનમાં ઘૂસ્યા છે. આટલી મોટી સંખ્યામાં જેહાદીની ઘૂસણખોરી તેમના સાથીઓ અને આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનોના સહયોગને સૂચવે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution