અમદાવાદમાં રથયાત્રાને લઈને ચાંપતા બંદોબસ્ત,,પોલીસ દ્વારા એર સર્વેલન્સ કરાયું
29, જુન 2024 198   |  

અમદાવાદ શહેરમાં ૭ જુલાઈએ ભગવાન જગન્નાથની ૧૪૭મી રથયાત્રા નીકળશે. રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રથયાત્રાને આડે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રથયાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસે પણ સુરક્ષા બંદોબસ્તની તૈયારીઓ કરી લીધી છે. અમદાવાદમાં રથયાત્રાને લઈને પોલીસ દ્વારા એર સર્વેલન્સ કરાશે.શહેરમાં ભગવાન જગન્નાથની ૧૪૭મી રથયાત્રાને લઈને પોલીસ એર સર્વલન્સથી સુરક્ષા આપશે. જેમાં રથયાત્રાના દિવસે સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી પોલીસ અધિકારીઓ સર્વેલન્સ કરશે. આ માટે આજે પોલીસ અધિકારીઓએ હેલિકોપ્ટરથી સર્વેલન્સનું રિહર્સલ પણ કર્યું હતું. શાહપુર, દરિયાપુર, ઘી કાંટા જેવા સંવેદનશીલ વિસ્તારમાં હેલિકોપ્ટરથી નજર રાખવામાં આવશે. ટેથર્ડ ડ્રોન, નિન્જા ડ્રોન, હિલિયમ બ્લુનમાં માઉન્ટેડ કેમેરા સાથે સર્વેલન્સ કરવામાં આવશે. ત્યારે આ વખતે રથયાત્રાને ટેકનોલોજી સાથે સુરક્ષા આપવામાં આવશે. રથયાત્રામાં સામેલ થતા શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવશે. ત્યારે આ વખતે ભગવાન જગન્નાથની રથયાત્રામાં સર્વેલન્સ માટે ઇઝરાયલી ટેક્નોલોજીના હિલિયમ એરોસ્ટે બલૂન વપરાશે, જેનાથી પોલીસ આ વિસ્તારોમાં નજર રાખશે. આ બલૂનમાં ૩૦૦ મીટરની ઊંચાઈ પરથી હાઈ રિઝોલ્યુશન કેમેરા દ્વારા ૫ કિલોમીટરના વિસ્તારમાં નજર રાખવામાં આવશે. પોલીસવડા સહિતના તમામ અધિકારીઓએ રથયાત્રાને લઈને સુરક્ષા માટે ખાસ પ્લાનિંગ કર્યું છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે રથયાત્રાના બે મહિના પહેલાંથી પોલીસ એલર્ટ મોડ પર આવી જતી હોય છે અને દરેક પાસાંઓ પર ધ્યાન આપીને બંદોબસ્તનો માસ્ટર પ્લાન બનાવતી હોય છે. હજારોની સંખ્યામાં પોલીસ કર્મચારીઓ, સુરક્ષાદળની ટીમ સહિતના જવાનો રથયાત્રામાં તહેનાત હોય છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution