અમદાવાદ, ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કોરોનાના નવા કેસોમાં હળવાશ જાેવા મળી રહી છે. આજ રોજ રાજ્યમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાનાં નવા ૯,૧૭૭ કેસો નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં ૩૦૯૦ કેસ તો સુરત કોર્પોરેશનમાં ૨૯૮૬ કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા કોર્પોરેશનમાં ૨૬૨૧ કેસ તો રાજકોટ કોર્પોરેશનમાં ૪૩૮કેસો નોંધાયા છે. તો આજ રોજ ૭ દર્દીઓનાં મોત નિપજ્યાં છે. ૫૪૦૪ દર્દીઓ રિકવર થયાં છે.

રાજ્યમાં કુલ ૫૯,૫૬૪ એક્ટિવ કેસો થઈ ગયા છે. તો ૬૦ દર્દીઓ વેન્ટિલેટર પર છે તો બીજી બાજુ ૫૯,૫૦૪ દર્દીઓ હાલમાં સ્ટેબલ છે. જ્યારે ૮,૪૬,૩૭૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦,૧૫૧ એ પહોંચ્યો છે. દેશમાં ઓમિક્રોનના કેસો વધી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ ઓમિક્રોનની વિગતો આપવામાં આવતી હતી. જાેકે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી ઓમિક્રોનના કેસોની વિગત આપવામાં આવી રહી નથી. અમદાવાદ જિલ્લામાં કોરોના કેસ વધી રહયા છે. આજે જિલ્લામાં કોરોના કેસનો આંકડો ૪૫ એ પહોંચ્યો છે. વિરમગામ માં ૩ સાણંદમાં ૨૪, માંડલમાં ૧, ધોળકામાં ૫, ધંધુકામાં ૨ અને દસક્રોઈમાં ૧૦ કેસ નોંધાયા છે. જિલ્લામાં આજે માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન ૧૪ અમલમાં છે. જ્યારે વેકશીન ની વાત કરવામાં આવે તો ૭૭ ટકા રસીકરણ ૧૫ થી ૧૮ વર્ષના બાળકોનું પૂરું થઈ ગયું છે. ત્યારે પ્રિકોશન ડોઝ માટે વૃદ્ધ અને ફ્રન્ટ લાઈન વર્કર અને આરોગ્ય કર્મીઓને જલ્દી મળે તે માટે આરોગ્ય વિભાગ હાલ કામ કરી રહ્યું છે

રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા અને રાજ્યના પૂર્વ નાણા મંત્રી વજુભાઈવાળા કોરોના સંક્રમિત

ગુજરાતમાં અંગ્રેજી નવા વર્ષના પ્રારંભથી કોરોનાના કેસોમાં દિન-પ્રતિદિન ધરખમ વધારો થઇ રહ્યો છે. બે દિવસ અગાઉ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી કોરોનાથી સંક્રમિત થયા બાદ રાજ્ય સરકારના વધુ એક મંત્રી અને ભાજપના નેતા કોરોનાથી સંક્રમિત થયા છે. જેમાં પંચાયત રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા તેમજ રાજ્યના પૂર્વ નાણા મંત્રી વજુભાઈ વાળાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. અત્રે નોંધનીય છે કે, દેશભરમાં કોરોના વિસ્ફોટ થયો છે, તેમાં સામાન્ય જનતાથી લઈને રાજનેતાઓ, બોલિવૂડના કલાકારો, પોલીસ કર્મીઓ સહિતના અનેક નામી અને અગ્રણી હસ્તીઓ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. અંગ્રેજી નવા વર્ષના પ્રારંભની સાથોસાથ ગુજરાતમાં કોરોનાના નવા કેસોએ ગતિ પકડી છે. નવા વર્ષના પ્રારંભ બાદ રાજ્યમાં કોરોનાના નવા કેસોની સંખ્યા દિન-પ્રતિદિન કૂદકે અને ભૂસકે વધી રહી છે. કોરોનાના વધતા જતાં સંક્રમણથી હવે રાજકીય નેતાઓ અને અગ્રણીઓ પણ બચી શક્યા નથી. કોરોનાના સંક્રમણની ઝપટે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ આવી રહ્યા છે. બે દિવસ અગાઉ ગુજરાત સરકારના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી કોરોનાથી સંક્રમિત થયા હતા. આ અગાઉ રાજ્ય કક્ષાના મંત્રી જીતુ ચૌધરી પણ સંક્રમિત થઇ ચૂકયા છે. હર્ષ સંઘવીની સાથે ભાજપ અને કોંગ્રેસના પાંચ જેટલા ધારાસભ્યો પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આ સંજાેગોમાં ગુજરાત સરકારના વધુ એક મંત્રી કોરોનાગ્રસ્ત થયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકારના પંચાયત રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા કોરોના સંક્રમિત થયા છે. તેમને સામાન્ય લક્ષણો જણાતા તેમણે કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં પંચાયત રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના કારણે હાલમાં તેઓ હોમ આઇસોલેશન થયા છે.

અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલે કોરોના પોઝિટિવ

અમદાવાદ કલેક્ટર સંદીપ સાગલે કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. છેલ્લા ૨ દિવસથી કોરોનાના હળવા લક્ષણો દેખાતા તેઓ હોમ આઇસોલેટ થયા હતા અને ટેસ્ટ પોઝિટિવ આવતા તેઓ હાલ હોમ આઇસોલેશન માં સારવાર લઈ રહ્યા છે. ત્યારે કોરોના કેસ વધતાં હવે સરકારી કચેરીઓમાં આગામી સમયમાં નિયમોનું કડક પાલન થાય તેવો આગ્રહ અધિકારીઓ રાખી રહ્યા છે.