ગાંધીનગર, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ ઉમેદવારોના માપદંડ નક્કી કરાયા છે. પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે ચૂંટણીને લઈને સૌથી મોટું નિવેદન આપ્યું છે. ૬૦ વર્ષથી ઉપરના વ્યક્તિઓને ટિકિટ નહીં અપાય. તેમજ ત્રણ ટર્મથી ચૂંટાનાર સભ્યોને ટીકિટ નહીં અપાય. એટલું જ નહીં, હોદ્દેદારો અને આગેવાનોના કોઇ સગાને પણ નહીં મળે ટીકિટ. આગામી ૨૧ અને ૨૮મી ફેબ્રુઆરીએ બે તબક્કામાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. ગુજરાતમાં મહાનગર પાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે.

 ભાજપના મંત્રી, પૂર્વ સાંસદ, ધારાસભ્ય, નેતાઓએ પરિવારજનો માટે ટિકિટની માંગણી કરી છે.કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ પોતાના બેન માટે ટિકિટ માંગી છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનાં બહેન નિરાંતબેન ધોલિયાએ ભાજપમાંથી તાલુકા પંચાયતની ટિકિટ માગી છે. નિરાંતબેન ધોલીયા વિંછીયા તાલુકા પંચાયતની એક બેઠક માટે દાવેદાર છે અને ટિકિટ માગી છે. જ્યારે મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પત્ની માટે ટિકિટ માંગી છે. જામનગર મનપાની ચૂંટણી માટે રાજ્યમંત્રીના પત્ની પ્રફુલ્લાબા જાડેજાએ ભાજપમાંથી ટિકિટ માંગી છે. વોર્ડ નંબર ૧૧ માટે ટિકિટ માંગી છે. તેઓ ગત ટર્મમાં પણ આ વિસ્તારમાં કોર્પોરેટર હતા. ૨૦૨૧ની થનાર મહાનગરપાલિકાની ચૂંટણી ટિકિટ માટે માંગી છે.

વડોદરા કોર્પોરેશનની ચૂંટણી લડવા વાઘોડિયાના ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવએ પુત્ર દીપક શ્રીવાસ્તવ માટે ટિકિટ માંગી છે. મધુ શ્રીવાસ્તવે પત્ની માટે જિલ્લા પંચાયતની કોટંબી, કામરોલ બેઠક, તાલુકા પંચાયતની લીમડા બેઠક પર ટિકિટ માંગી છે. પુત્રી નીલમ શ્રીવાસ્તવ માટે જિલ્લા પંચાયતની ગોરજ બેઠક પર ટિકિટ માંગી છે. ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાએ પુત્ર ધ્રુમિલ મહેતા માટે ટિકિટ માંગી છે. સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવીએ પુત્ર દિવ્યાંગ તડવી માટે ટિકિટ માંગી છે. જ્યારે સાંસદ રંજન ભટ્ટે પોતાની બહેન પન્નાબેન દેસાઈને રીપીટ કરવા ભલામણ કરી છે. પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાએ પુત્રી માટે ટિકિટ માંગી છે.

ભાજપ ૪થીએ મનપાનાં ઉમેદવારોની યાદી જાહેર કરશે

મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને પ્રદેશ ભાજપે તેની તૈયારીઓ લગભગ પૂર્ણ કરી દીધી છે. ૧ થી ૩ ફેબ્રુઆરી ના રોજ પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવા જઇ રહી છે. જેમાં ૬ મહાનગર પાલિકાના ઉમેદવારોની યાદી પર ચર્ચા કરાશે. પહેલી ફેબ્રુઆરીથી ગાંધીનગરમાં મુખ્યમંત્રી બંગલો ખાતે મળનારી આ બેઠકમાં ૬ મનપાના ઉમેદવારોની મોકલાયેલી પેનલ પર ચર્ચા કરી આખરી યાદી તૈયાર કરાશે. તમામ સાથે ચર્ચા વિચારણાના અંતે ૧૬ નામોની યાદી તૈયાર કરી મોકલી આપવામાં આવી છે, જેના પર પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ચર્ચા કર્યા બાદ ચોથી ફેબ્રુઆરીએ ફાઇનલ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે. દરરોજ બે મહાનગરપાલિકાને બોર્ડ સાંભળશે.