ભારતમાં સૌથી ઝડપી 5 જ દિવસમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો 3થી 4 લાખ થયો
26, માર્ચ 2021

ન્યુ દિલ્હી

કોરોના વાયરસની ભારતમાં એન્ટ્રીને એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે પરંતુ હજુ તેનો પ્રકોપ ઘટ્યો હોય તેવું લાગતું નથી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૯ હજારથી વધુ દર્દીઓ નોંધાયા છે જે ખરેખર ચિંતાજનક વાત છે. છેલ્લા પાંચ મહિનામાં દેશમાં એક દિવસમાં સૌથી વધુ નોંધાયેલા કેસનો આંકડો છે. આ સાથે જ એકવાર ફરીથી દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા પણ ચાર લાખને પાર ગઈ છે. દેશમાં પાંચ જ દિવસમાં એક્ટિવ કેસની સંખ્યા એક લાખને પાર ગઈ. સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. આ ઉપરાંત ગુજરાત,પંજાબ સહિત અનેક રાજ્યોમાં કોરોના વકરી રહ્યો છે. રાજ્યો અને કેન્દ્ર સરકાર પોત પોતાના સ્તરે કોરોનાને કાબૂમાં લેવા માટે જરૂરી પગલાં લઈ રહી છે. ૨૯ માર્ચે હોળી છે જેને લઈને લગભગ મોટા ભાગના રાજ્ય સરકારોએ હોળીના જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવ્યો છે.

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા ૫૯,૧૧૮ દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો ૧,૧૮,૪૬,૬૫૨ પર પહોંચી ગયો છે. જેમાંથી ૧,૧૨,૬૪,૬૩૭ લોકો સાજા થઈ ગયા છે જ્યારે ૪,૨૧,૦૬૬ લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાથી ૨૫૭ લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો ૧,૬૦,૯૪૯ પર પહોંચી ગયો છે. પૂરપાટ ઝડપે ચાલતા રસીકરણ હેઠળ અત્યાર સુધીમાં ૫,૫૫,૦૪,૪૪૦ લોકોને રસી આપવામાં આવી છે. 

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ ખુબ વધી રહ્યું છે. જ્યારે પંજાબ, કેરળ, કર્ણાટક, ગુજરાત અને છત્તીસગઢમાં પણ કોરોના સંક્રમણ રોકેટ ગતિથી વધી રહ્યું છે. આ છ રાજ્યોમાંથી ૮૧ ટકા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત દિલ્હી અને હિમાચલ પ્રદેશમાં પણ કોરોના વધી રહ્યો છે. આ રાજ્યોમાં જો હોળી સમયે ધ્યાન ન રખાયું તો કોરોનાનો પ્રકોપ વધી શકે છે.

૨૮ દિવસના સમયમાં પાછલા વર્ષે મૃત્યુઆંક ૪૦૦થી ૬૦૩ પર પહોંચ્યો હતો. જોકે, આ વખતે તે મંગળવારે વધીને ૨૭૬ પર પહોંચ્યો હતો. જોકે, કેસમાં જે રીતે માર્ચમાં ઉછાળો આવ્યો છે તેની સાથે મૃત્યુઆંકમાં પણ વધારો નોંધાયો છે. 

મહારાષ્ટ્રમાં કોરોનાનો સૌથી વધુ પ્રકોપ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૩૫,૯૫૨ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો ૨૬,૦૦,૮૩૩ પર પહોંચી ગયો છે. જેમાંથી ૨૨,૮૩,૦૩૭ લોકો ડિસ્ચાર્જ થયા છે. જ્યારે ૨,૬૨,૬૮૫ લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક દિવસમાં ૧૧૧ લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી મોતનો આંકડો ૫૩,૭૯૫ પર પહોંચી ગયો છે. મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૫૦૪ નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે ૧૪ લોકોએ જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા પાંચ દિવસની વાત કરીએ તો કોરોનાના કેસ જબરદસ્ત રોકેટ સ્પીડે વધ્યા છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution