નખત્રાણાના કોટડામાં યુવક પર શખ્સોએ હુમલો કરતાં આગચંપી અને પથ્થરમારો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, નવેમ્બર 2021  |   2079

ભૂજ, પશ્ચિમ કચ્છના નખત્રાણા તાલુકાના કોટડામાં ગુરૂવારની રાત્રે લગ્ન પ્રસંગ દરમિયાન પરિસ્થિતી વણસતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તાલુકાના કોટડા (જદોડર) ગામે લગ્રન પ્રસંગ ચાલી રહ્યો હતો. આ દરમિયાન સામાન્ય બાબતમાં પાચ શખ્સોએ એક યુવાન પર હુમલો કર્યો હતો. જેને લઈ ૧૫૦૦થી વધુ લોકોનું ટોળુ એકત્ર થયુ હતું અને આરોપીઓના ઘર પર પથ્થર મારો કર્યો હતો તેમજ આરોપીઓની કેબીન અને વાહનોને આગ ચાપી દીધી હતી. જેથી પોલીસે ગામમાં આવી પરિસ્થિતિ કાબૂમાં મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિ વધુ વણસતા પોલીસને રસ્તો પણ બંધ કરવાની ફરજ પડી હતી. તેમજ પોલીસને ભીડ વિખેરવા અશ્રુવાયુના સેલ પણ છોડવા પડ્યા હતા. અંતે મોડી રાત્રે પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હાલ ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ દરમિયાન એક યુવાન વારંવાર બાઈકથી આટાફેરા કરી રહ્યો હતો. જેથી એક શખ્સે બાઈક ધીરે ચલાવી અન્ય રસ્તાનો ઉપયોગ કરવાનું કહેતા આરોપીએ તેના પિતા, ભાઈ અને મિત્રની સાથે ઠપકો આપનારા શખ્સ પર કુહાડી વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. જેથી મામલો બીચકયો હતો. ત્યારબાદ લોકોનું ટોળું ભેગું થઈ ગયુ હતું અને આરોપીના ઘર, કેબિન ઉપર હુમલો કરી દીધો હતો. જેને લઈ પરિસ્થિતિ પામી ગયેલા પોલીસ તંત્રએ વધુ પોલીસ દળ સાથે મળીને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા ભારે મથામણ કરવી પડી હતી. પોલીસે હાલ આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે હાલ પાંચની અટકાયત કરી છે. આ અંગે નખત્રાણા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ નાયાણી ફળિયામાં બુધવારે રાત્રે લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો. જેમાં ભારે ભીડ જમા હતી અને લગ્ન ગીતો ગવાઈ રહ્યા હતા. ત્યારે તેની વચ્ચે ગામના જ આરીફ અને અસરફ પુરઝડપે બે ત્રણ વખત મોટર સાયકલ લઈને પસાર થયા હતા. જેથી તેઓને ફરિયાદી અરવિંદ કાંતિલાલ નાયાણીના ભાઈ ભરત નાયાણીએ બાઈક ધીમે ચલાવવા જણાવ્યું હતું. ફરિયાદીએ યુવકોને અહીં લગ્ન પ્રસંગ ચાલુ હોઈ તમે ગાડી ધીમે ચલાવી અને બીજા રસ્તેથી નીકળવાનું કહેતા આ વાતનું મનદુઃખ રાખી બાદમાં મુખ્ય આરોપી સાલે જાફર કુંભાર, આરીફ સાલે કુંભાર, અસરફ આમદ કુંભાર, ભચલો જૂસા કુંભાર અને આસીફ સાલે કુંભાર ત્યાં આવી અપશબ્દો બોલવા લાગ્યાં હતા. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત ગેરકાયદે મંડળી રચી ભરત કાંતિલાલ નાયાણીને સાલે જાફર કુંભારે માથાના ડાબા ભાગે કુહાડીનો ગંભીર પ્રકારનો ઘા મારી જીવલેણ હુમલો પણ કર્યો હતો. જ્યારે આરીફ સાલેએ ફરિયાદી અરવિંદ નાયાણીને ડાબા હાથના કાંડામાં ધારીયાનો ઘા મારી ઇજા પહોંચાડી હતી. જે બાદ ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં ઘાયલ યુવકને પ્રથમ નખત્રાણા ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાયા બાદ વધુ સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution