તલસટમાં ગ્રામ પંચાયતની ચુંટણીની અદાવતે જુથ અથડામણથી દોડધામ
19, જાન્યુઆરી 2022

વડોદરા, તા. ૧૮

શહેર નજીક આવેલા તલસટ ગામમાં ગત રાત્રે તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચુટણીમાં વિજેતા બનેલા ઉમેદવારના પરિવાર તેમજ હારેલા ઉમેદવારના ટેકેદારો વચ્ચે ચુંટણીની અદાવતે જુથ અથડામણ સર્જાઈ હતી જેમાં બંને પક્ષે સશસ્ત્ર ટોળાએ કરેલા હુમલામાં ૧૫ વ્યકિતઓને ઈજાઓ

પહોંચી હતી.

તલસટગામ વડવાળુ ફળિયામાં રહેતા બળવંતભાઈ ઠાકોરનો પુત્ર નવનીત તલસટ ગ્રામ પંચાયતની ચુંટણીમાં જીતી જતા તેની ગઈ કાલે શપથવિધી થઈ હતી. આ બાબતે અદાવત રાખી ગત રાત્રે તલસટમાં રહેતા રાકેશ જગદીશ ઠાકોર, સુખદેવ ડાહ્યા ઠાકોર, હિતેષ સુરેશ ઠાકોર, વિપુલ રસીક ઠાકોર, સતીષ સુખદેવ ઠાકોર અને અજય સુરેશ ઠાકોર સહિતના ટોળાએ તલસટગામમાં પંચાયતની ઓફિસ સામેથી પસાર થઈ રહેલા બળવંતભાઈ તેમજ તેમના પુત્ર કૈાશિક અને પુત્રના મિત્રોને અપશબ્દો બોલી ગડદાપાટુનો માર મારી લોખંડની પાઈપ ફટકારી ઈજા કરી હતી અને પથ્થરમારો કર્યો હતો. આ બનાવની બળવંતભાઈએ માંજલપુર પોલીસ મથકમાં હુમલાખોર ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી.

જયારે સામાપક્ષે સતીષ છત્રસિંહ ઠાકોર પણ ફરિયાદ નોંધાવી હતી કે ગત રાત્રે તલસટ ગામમાં રહેતા બળવંત ઠાકોર તેમજ તેના પુત્રો નવનીત, હિતેષ તેમજ નકુલ ઠાકોર, દિવ્યાંગ હસમુખ ઠાકોર,ભાવેશ રાજુ ઠાકોર અને નરેન્દ્ર ગણપત ઠાકોરે હવે અમારા હાથમાં સત્તા છે તમને બતાવી દઈશું તેમ કહીને સતીષ ઠાકોર તેમજ તેમના પિતરાઈ ભાઈઓ પર પાઈપથી હુમલો કરી તેઓની પર પથ્થરમારો કર્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution