અંતે બાબા રામદેવ કહ્યું, સારા ડૉક્ટર્સ તે ધરતી પર દેવદૂત અને વરદાન રૂપ છે
10, જુન 2021 495   |  

દિલ્હી-

યોગ ગુરૂ બાબા રામદેવ એલોપથી મુદ્દેના નિવેદનને લઈ સતત વિવાદમાં ફસાયેલા છે અને ડૉક્ટર્સ તેમના આ નિવેદનને લઈ ભારે નારાજ છે. ત્યારે હવે બાબા રામદેવે આ વિવાદના અંત માટે પહેલ કરી છે. બાબા રામદેવે કહ્યું કે, તેમને કોઈ પણ સંગઠન સામે દુશ્મની ન હોઈ શકે. સર્જરી અને ઈમરજન્સી માટે એલોપથી શ્રેષ્ઠ છે તેમાં કોઈ બેમત નથી.

સાથે જ તેમણે હવે સરકારે કોરોનાના નિયમોના પાલન સાથે ચાર ધામયાત્રાની મંજૂરી આપી દેવી જાેઈએ તેમ પણ કહ્યું હતું. બાબા રામદેવે બુધવારે ઉત્તરાખંડના શિક્ષણ મંત્રી અરવિંદ પાંડેય સાથે યોગાગ્રામ સુધી જનારા રસ્તાના લોકાર્પણ બાદ મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, જે સારા ડૉક્ટર્સ છે તે ધરતી પર દેવદૂત અને વરદાન છે પરંતુ જે ડૉક્ટર થઈને ખોટું કરે છે તે ઈન્ડિવિજ્યુઅલની ભૂલ છે, એલોપથીની નહીં. દવાઓના અનેક ગણા વધુ ભાવ લેવામાં આવતા હોવાથી જ જનઔષધિ કેન્દ્ર ખોલવા પડ્યા.

બાબા રામદેવે કહ્યું કે, દવાના નામે કોઈનું શોષણ ન થાય, બધા બિનજરૂરી દવાઓ અને ઓપરેશનથી બચે. સર્જરી અને ઈમરજન્સી માટે એલોપથી શ્રેષ્ઠ છે તેમાં કોઈ બેમત નથી પરંતુ જિનેટિક અને ઈનક્યુરેબલ બીમારીઓનો ઉપચાર યોગ અને આયુર્વેદ જ છે. બસ આટલી જ વાત છે અને બીજાે કોઈ વિવાદ નથી. તેમના કહેવા પ્રમાણે કોરોનાની લહેરો તો આવતી રહેશે. વડાપ્રધાન મોદીએ ૨૧ જૂનથી બધાને વેક્સિન આપવાની જાહેરાત કરી છે. ડબલ ડોઝ લો. યોગ અને આયુર્વેદની વધુ ડબલ શક્તિ મેળવી લેશો તો એવું સુરક્ષા કવચ તૈયાર થશે કે અમારો સંકલ્પ છે કે, હિંદુસ્તાનમાં કોરોનાથી એક પણ મોત નહીં થાય. સાથે જ તેમણે પોતે ટૂંક સમયમાં જ કોરોનાની રસી લેશે તેવી જાહેરાત પણ કરી હતી. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution