25, સપ્ટેમ્બર 2020
4851 |
દાન કરવાથી મળતું સુખ શરીર ઉપર પોઝિટિવ અસર કરે છે. દાન કરવાથી મન અને વિચારોમાં વિસ્તાર થાય છે. દાનથી મોહની શક્તિ નબળી પડે છે. દરેક પ્રકારના લગાવ અને ભાવને છોડવાની શરૂઆત દાન અને ક્ષમાથી થાય છે. દાન કરવાથી વ્યક્તિનો અહંકાર અને મોહ દૂર થાય છે. દાન કરવાથી મનની અનેક ગ્રંથીઓ ખુલે છે અને અપાર સંતુષ્ટિ મળે છે. દાન કરવાથી અનેક પ્રકારના દોષ પણ દૂર થાય છે. કુદરતનો એક નિયમ છે. તમારે જે જોઈએ છે તે વહેંચવા માંડો. જુઓ પછી ચમત્કાર. ખુશી જોઈએ છે. બીજાને ખુશ કરો, સુખી થવું છે તો બીજા સુખી થાય તેવું કરો. એટલે તમારે જે જોઈએ તે બીજાને પણ જોઈતું હો તમારી પાસે જરૂર પુરતું રાખી બીજું દાન કરો.
પાત્ર જોઈ દાન કરવું
ફળની આશાથી કચવાતા મને અપાતું દાન રાજસિક અને સત્કાર વિના, તિરસ્કારથી અયોગ્ય દેશકાળમાં કુપાત્રને આપેલું દાન તામસિક દાન કહેલું છે. ઘણી વખત તો આપણે ખુદ દયાભાવથી આપેલ દાનનો દુરુપયોગ સગી આંખે જોઈએ છીએ ત્યાર પસ્તાવો થાય છે એટલે તો કહ્યું છે ને કે પાત્ર જોઈ દાન કરવું.
ગરૂડ પુરાણમાં આ સાત દાનથી સાત પ્રકારના લાભ થશે તેવું જણાવવામાં આવ્યું છે.
જળ દાનથી તૃપ્તિ મળે
અનાજ દાનથી અક્ષય સુખ,
તલના દાનથી સંતાન સુખ,
ભૂમિ દાનથી મનગમતી વસ્તુઓ
સોનાનું દાન કરવાથી લાંબુ આયુષ્ય
ઘરનું દાન કરવાથી ઉત્તમ ભવન
ચાંદીનું દાન કરવાથી સારું સ્વરૂપ મળે