21, જુલાઈ 2020
594 |
ગાંધીનગર-
ગુજરાતના નવા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પોતાનો પરિવાર અને ટેકેદારોની હાજરીમાં પદભાર સંભાળ્યું છે. વિજય મુહૂર્તમાં તેઓ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા છે. લાંબા સમયથી ભાજપમાં પ્રદેશ પ્રમુખ તરીકે નવા ચહેરાની વિચારણા ચાલી રહી હતી, ત્યારે સીઆર પાટીલને તેમાં સ્થાન મળ્યું છે. આમ, ગાંધીનગરમાં સુરતનું સ્થાન મજબૂત બન્યું છે. મંગળવારના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળીને સી.આર.પાટીલનું સર્કિટ હાઉસમાં તેમના પરિવાર દ્વારા મોઢું મીઠું કરાવવાથી માંડીને ફટાકડા ફોડીને સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે પ્રદેશ કાર્યાલય પર સાંસદો, મંત્રીઓ, કાર્યકરો પહોંચ્યા હતા. તો મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી પણ નવા પ્રમુખના પદ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા.
ગુજરાત ભાજપના 13 મા પ્રમુખ તરીકે સી.આર.પાટીલે મંગળવારના રોજ બપોરે શ્રાવણ માસના પ્રથમ દિવસે પ્રદેશ ઓફીસ કમલમ ખાતે વિધાવત રીતે કાર્યભાળ સંભાળ્યો હતો. સી. આર.પાટીલ ગુજરાત ભાજપના પ્રથમ બિન- ગુજરાતી પ્રમુખ છે. તેમજ દક્ષિણ ગુજરાતના ભાજપના કદાવર નેતામા તેમની ગણતરી થાય છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમા ભાજપના પ્રમુખ બનનારા સી.આર. પાટીલ કાશીરામ રાણા પછી બીજા નેતા બન્યા છે. ગુજરાતમા છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા પ્રમુખ બદલવાને લઈને ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે .જેમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખે દક્ષિણ ગુજરાતના નેતા અને નવસારીના સાંસદ સી.આર. પાટીલની નિમણુક કરી છે. ભાજપે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના સ્થાને સી. આર.પાટીલની વરણી કરી છે.