સ્થાનિકો એકમોના હિતના રક્ષણ અને ઘરેલું બજારતંત્રને મજબૂત બનાવી રાખવા માટે અન્ય દેશોમાંથી થતી આયાત પર નજર રાખવી દરેક દેશે અત્યંત જરૂરી બની રહી છે. ખાસ કરીને જાે આપણો સપ્લાયર દેશ ચીન હોય તો દિવસ-રાત જાગતા રહેવું પડે એમ છે. ચીનની ડમ્પિંગ નીતિથી ભારત સહિત એશિયા જ નહિ યુરોપ અને અમેરિકા પણ ચિંતિત છે. ચીનનું અર્થતંત્ર નિકાસ આધરિત જ છે. આ એકતરફી બિનજરૂરી સપ્લાયને ટાળવા માટે અમેરિકા હવે ચીની પ્રોડક્ટો પર ઈમ્પોર્ટ ડયૂટી લાદી છે. સોલાર પેનલ્સ, ઈલેક્ટ્રિક વાહનો, લિથિયમ-આયન બેટરી, સિરીંજ અને સ્ટીલ જેવી ઘણી ચાઈનીઝ પ્રોડક્ટો પર યુએસ ડયૂટીમાં ૨૭ સપ્ટેમ્બરથી વધારો અમલમાં આવી રહ્યો છે. અમેરિકામાં આ પ્રોડક્ટોની ડયૂટી વધતા ભારતમાં ચીન દ્વારા ડમ્પિંગનો ભય વધી શકે છે.
ઊંચા ટેરિફને કારણે અમેરિકન માર્કેટમાં ચાઈનીઝ પ્રોડક્ટ્સની પહોંચ ઘટી રહી છે, તેથી ચિંતા વધી ગઈ છે કે ચીન નિકાસ માટે ભારત અને અન્ય બજારોને ટાર્ગેટ કરી શકે છે. ચીનમાંથી જાે આ પ્રોડક્ટોનો ઘસારો વધશે તો ભારતીય ઉદ્યોગોને પડકારોનો સામનો કરવો પડી શકે છે. આ સ્થિતિમાં હવે સ્થાનિક કંપનીઓ ખાસ કરીને સ્ટીલ સેક્ટર અને બજાર નિષ્ણાંતો તથા પોલિસી મેકર્સ પણ હવે સરકાર સમક્ષ કડક પગલાં અને ઉંચા ટેરિફની અપેક્ષા રાખી રહ્યાં છે. સરકારે આ રઉત્પાદનોની દૈનિક આયાત પર નજર રાખવા માટે વાણિજ્ય વિભાગ હેઠળ 'વોર રૂમ' સ્થાપિત કરવો જાેઈએ. ઇન્ડિયન સ્ટીલ એસોસિએશને કહ્યું હતુ કે ચીનમાંથી દેશમાં સ્ટીલની નિકાસ ૯૧ ટકા વધી હતી. આ વર્ષે પણ વધારો થયો છે. ચીન નિકાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરતા અનેક સ્ટીલ આયાત કરતા દેશોએ ચાઈનીઝ સ્ટીલ પર નિયંત્રણો લાદી દીધા છે પરંતુ ભારત હજી ગાઢ નિદ્રામાં છે. ઓગસ્ટના આયાત-નિકાસના આંકડા અનુસાર, ચીનમાં ભારતની નિકાસ ૨૨.૪૪ ટકા ઘટીને ૧ અબજ ડોલર થઈ છે, જ્યારે આયાત ૧૫.૫ ટકા વધીને ૧૦.૮ અબજ ડોલર થઈ છે.
Loading ...