અમદાવાદ-
દેશમાં કોરોના વાઈરસનુ સંક્રમણ દિવસને દિવસે વધતું જાય છે. અહીંના વિક્રમનગર સ્થિત ઈસરો સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC)ના કર્મચારીઓ પણ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. અમદાવાદમાં કોરોનાના સંક્રમણના કેસોમાં વધારો થઈ રહ્યો છે. 11 નવા કેસમાં ઈસરો સેક (ISRO SAC)ના 11 કર્મચારીઓનો કોરોના ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે. અહીં 700 ઘરોમાંથી 20 ઘરોમાં કોરોના સંક્રમણ ફેલાયો છે. અહીં કુલ 80 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે.
કોરોના સંક્રમિત કર્મચારીઓને ખાનગી હોસ્પિટલમાં વધુ એક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ સ્થિત ખાનગી હોસ્પિટલે આ લોકોને કૉન્ટ્રીબ્યુટરી હેલ્થ સર્વિસ સ્કીમ એટલે કે (CHSS) હેઠળ સારવાર કરવાનો ઈનકાર કરી રહ્યા છે. મહત્વનું છે કે, આ યોજના હેઠળ કર્મચારીઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ઓછા પૈસા ચૂકવવા પડે છે.
વિક્રમનગર કોલોનીના બે બ્લૉકને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે. અહીં રહેતા લોકોને ઘરમાંથી બહાર નિકળવાની મંજૂરી નથી. ઈસરો સેકના કર્મચારીઓ પણ ઘરેથી જ કામ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 30 જૂને સેકના કર્મચારીઓ માટે એક સર્ક્યુલર જારી કરવામાં આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યુ હતુ કે 31 જુલાઈ સુધી ટેકનિકલ અને એડમિનિસ્ટ્રેટીવ વિભાગ સાથે જોડાયેલ બધા વરિષ્ઠ કર્મચારી વર્કિંગ ડે દરમિયાન ઓફિસ આવે. જ્યારે સ્ટાફના કર્મચારીઓને એક દિવસ છોડીને ઓફિસ આવવા માટે કહેવામાં આવ્યુ હતુ એટલે કે 50 ટકા કર્મચારીઓની ઉપસ્થિતિનુ પાલન કરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા.