લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, એપ્રીલ 2026 |
વડોદરા |
2475
વડોદરા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે અને નિર્દોષ નાગરિકો પશુઓની અડફેટે આવી રહ્યા છે, ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ઢોર પાર્ટીની એક શરમજનક બેદરકારી સામે આવી છે. શહેરના જામ્બુવા વિસ્તાર પાસે આવેલા એક ખુલ્લા મેદાનમાં પાલિકાની ઢોર પાર્ટીના કર્મચારીઓ ઓન-ડ્યુટી હોવા છતાં રખડતા પશુઓને પકડવાને બદલે ક્રિકેટ રમતા નજરે પડ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, ઢોર ડબ્બા શાખાની ગાડી અને લશ્કર સાથેના કર્મચારીઓ જામ્બુવા પાસેના મેદાનમાં બિન્દાસપણે બેટિંગ-બોલિંગ કરતા જાેવા મળ્યા હતા. એક તરફ શહેરના રાજમાર્ગો પર પશુઓના કારણે ટ્રાફિક જામ અને અકસ્માતનો ભય રહે છે, ત્યારે બીજી તરફ પ્રજાના ટેક્સના પૈસે પગાર લેતા આ કર્મચારીઓ ફરજના સમયે રમત-ગમતમાં મશગૂલ હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં નાગરિકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જાે ઢોર પાર્ટી આ રીતે ‘ઓન ડ્યુટી’ પિકનિક મનાવશે, તો શહેરને રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્તિ ક્યારે મળશે? આ ગંભીર શિસ્તભંગ બદલ ઉચ્ચ અધિકારીઓ આ કર્મચારીઓ સામે કેવા પગલાં ભરે છે, તે જાેવું રહ્યું.