વડોદરા, તા.૨૭

વડોદરા કોર્પોરેશન દ્વારા આજે સવારના પાણી વિતરણ બાદ મહીસાગર સ્થિત ફ્રેન્ચ વેલની ફીડર લાઈનના ઈન્ટરલીન્કીંગની કામગીરી રાયકા ગામ અને નંદેસરી ચોકડી પાસે તેમજ દોડકા ગામ ખાતે ફિડર લાઈનના લિકેજ રીપેરીંગની કામગીરી હાથ ધરાઇ હતી. સવારે ૧૦ વાગ્યાથી શરૂ થયેલી કામગીરી ૧૨ કલાક બાદ મોડી રાત્રે પૂર્ણ થતા પમ્પો શરૂ કરીને લાઈન ચાર્જ કરવાની શરૂ કરાઈ હતી. જાેકે, આવતિકાલે સવારે પણ ઓછા પ્રેસરથી અને ઓછો સમય પાણીનું વિતરણ કરાશે.

વડોદરા શહેરના મહી નદી સ્થિત ચાર ફ્રેન્ચ કૂવામાંથી મોટા ભાગનું પાણી વિતરણ કરાય છે. આ કુવા પૈકી કોઈપણ એક કૂવામાં તકલીફ સર્જાય ત્યારે પાણીની આવક પર સીધી અસર પડે છે. જેથી કુવાની પાણીની લાઈન ઇન્ટરલિંક કરવાની કામગીરી આજે સવારે પાણી વિતરણ બાદ શરૂ કરાઇ હતી. તેમજ દોડકામ ખાતે પાણીની ફીડર લાઈનમાં લીકેજ રીપેરીંગની કામગીરી પણ કરાઇ હતી. જેના પગલે શહેરના ઉતર, પુર્વ અને પશ્ચિમ વિસ્તારમાં કારેલીબાગ, નોર્થ હરણી, પુનમનગર, સમા (જુની) ખોડીયારનગર બુસ્ટર, આજવા, પાણીગેટ, નાલંદા, ગાજરાવાડી, એરપોર્ટ બુસ્ટર, વડીવાડી, ગોરવા, સુભાનપુરા, અકોટા, દશામા બુસ્ટર અને કલાલી પાણીની ટાંકી ખાતેથી સાંજના સમયનું પાણી વિતરણ કરાયુ ન હતુ.