વડોદરા, તા. ૪

રાજ્યના વિધાનસભાની ચુટણીમાં સોમવારે યોજાનારા બીજા અને અંતિમ તબક્કાના મતદાનની પ્રક્રિયા શાંતિપુર્ણ વાતાવરણમાં પુર્ણ કરવા માટે વહીવટી સાથે પોલીસ તંત્ર પણ સજ્જ બન્યુ છે. આજે શહેર જિલ્લામાં યોજાનારા મતદાન માટે શહેર-જિલ્લાના પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસનો જંગી કાફલો અને હોમગાર્ડ જવાનો સહિત બહારથી આવેલી સીઆરપીએફની કુલ ૭૦ ટુકડીઓ પણ શહેર-જિલ્લામાં તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત શહેર-જિલ્લામાં પ્રવેશના માર્ગો પર અને મતદાન પુર્ણ થયા બાદ સ્ટ્રોંગ રૂમ પર પણ મતગણતરી પુર્ણ થાય ત્યાં સુધી વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

શહેરના સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર અને શહેર વાડી વિધાનસભાની બેઠક માટે તેમજ વડોદરા ગ્રામ્યની ડભોઈ, પાદરા, સાવલી, કરજણ અને વાઘોડિયા વિધાનસભાની પાંચ માટે આવતીકાલે સોમવારે મતદાન યોજાશે. શહેરની પાંચેય વિધાનસભા બેઠકો તેમજ ગ્રામ્યની સાવલી, ડભોઈ અને વાઘોડિયા વિધાનસભાની બેઠકો પૈકી શહેર પોલીસની હદમાં આવતા કેટલાક ભાગો સહિત શહેર પોલીસની હદમાં કુલ ૪૧૨ મતદાન કેન્દ્રો પર ૧૩૭૯ બુથમાં મતદાન યોજાશે જેમાં પોલીસતંત્રની નજરે ૧૭૨ કેન્દ્રોમાં ૬૧૭ બુથ સંવેદનશીલ છે.

દરમિયાન આજે મતદાન માટે શહેર પોલીસ કમિ. તેમજ અધિક પો.કમિ.ના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ અપાયો હતો જે મુજબ આવતીકાલે મતદાન પ્રક્રિયામાં શરૂ થઈ ઈવીએમ સ્ટ્રોંગરૂમ પર પહોંચે ત્યાં સુધી ડીસીપી કક્ષાના ૭ અને એસીપી કક્ષાના ૧૫ અધિકારીઓ તેમજ ૪૦ પીઆઈ, ૧૦૦ પીએસઆઈ અને ૧૫૨૫ પોલીસ જવાનો તૈનાત રહેશે. આ ઉપરાંત શહેરમાં બહારથી આવેલી સીઆરપીએફ અને એસઆરપીની ૪૦ કંપનીઓના કુલ ૨૮૮૨ જવાનો અલગ અલગ કેન્દ્રો પર મોર્ચો સંભાળશે. શહેરમાં ૪૨ સેક્ટર મોબાઈલમાં ૮૪ પોલીસ જવાનોની તેમજ ૧૪૭ જેટલા મેજીસ્ટ્રેટ મોબાઈલમાં એક એક પોલીસ જવાનની ફાળવણી કરાઈ છે. શહેરમાં પ્રવેશવાના ૧૧ ચેક પોસ્ટ પર ૪૪ પોલીસ જવાનો તૈનાત કરાયા છે જયારે પરિણામ જાહેર થાય ત્યાં સુધી સ્ટ્રોંગ રૂમ પર ૧૨૦ સીઆરપીએફના જવાનો બંદોબસ્તમાં રહેશે.

જયારે વડોદરા ગ્રામ્યમાં કુલ ૮૦ અધિકારીઓ, ૧૮૬૦ ગ્રામ્ય પોલીસના જવાનો અને ૧૬૨૧ હોમગાર્ડ-જીઆરડીના જવાનો સાથે સીઆરપીએફની ૩૦ ટુકડીઓ એસઆરપીની ૩ ટુકડીઓ સહિત કુલ ૫૭૪૫ પોલીસ જવાનો ફરજ બજાવશે.

જિલ્લાની ત્રણ બેઠકોમાં વડોદરા શહેર પોલીસ મથકના વિસ્તારનો સમાવેશ

વડોદરા શહેરની પાંચ બેઠક ઉપરાંત વડોદરા ગ્રામ્યની વાઘોડિયા બેઠકમાં શહેર પોલીસના છાણી, નંદેસરી અને જવાહરનગર પોલીસ મથક, સાવલી બેઠકમાં નંદેસરી પોલીસ મથક તેમજ ડભોઈ વિધાનસભા બેઠકમાં શહેર પોલીસના મકરપુરા અને માંજલપુર પોલીસ મથકનો પણ કેટલોક વિસ્તારમાં સમાવિષ્ટ છે. દરમિયાન શહેર ઉપરાંત જિલ્લાની આ ત્રણ બેઠકોમાં સમાવિષ્ટ શહેર પોલીસની હદમાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં પણ આવતીકાલે શહેર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવશે.