દમણ-

કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસના લોકપ્રિય સાંસદ મોહન ડેલકરે સોમવારે મુંબઈની હોટેલમાં ગળેફાંસો ખાધા બાદ તેના પાર્થિવ દેહને સેલવાસ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં આદિવાસી ભવન ખાતે તેના પાર્થિવ દેહના દર્શન માટે પ્રદેશવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સેલવાસમાં આદિવાસી ભવન ખાતે અપક્ષ સાંસદ મોહન ડેલકરના પાર્થિવ દેહના દર્શન માટે જનશૈલાબ ઉમટ્યો હતો. આદિવાસી નેતા તરીકેની અમિટ છાપ ધરાવનારા મોહન ડેલકર પ્રદેશના નેતા ઉપરાંત 7 ટર્મના સાંસદ હતા. વર્ષ 2019માં તેમણે અપક્ષ ઉમેદવારી કરી લોકસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો હતો.

દિવંગત મોહન ડેલકરના અંતિમ દર્શન માટે નામી અનામી સૌ કોઈ વ્યક્તિ ભારે હૃદયે ઉપસ્થિત રહ્યા હતાં. ડેલકરના નિધનમાં પ્રદેશમાં શોકનું મોજું પ્રસર્યું હતુ. તમામ વેપારીઓએ દિવંગતને શ્રદ્ધાંજલિ આપવા પોતાના વેપાર ધંધા બંધ રાખ્યા હતા. તો, કોઈ અઘટીત ઘટનાના બનતી અટકાવવા દાદરા નગર હવેલી પોલીસે પણ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. કલેક્ટર કચેરીથી આદિવાસી ભવન તરફના મુખ્ય માર્ગને બ્લોક કરી દેવામાં આવ્યો હતો અને માત્ર દિવંગતને શ્રદ્ધાંજલી આપવા માંગતા લોકોને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરના નિધન બાદ મંગળવારના રોજ તેમના અંતિમ દર્શન માટે સેલવાસમાં આદિવાસી ભવન ખાતે તેના પાર્થિવ દેહને લાવવામાં આવ્યો હતો. જ્યાં મોહન ડેલકરના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં પ્રદેશવાસીઓ ઉમટ્યા હતાં. પ્રદેશના નામી અનામી તમામ લોકોએ સાંસદ મોહન ડેલકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.