પટના-

બિહાર વિધાનસભા ચૂંટણીના અત્યર સુધીના રુઝાન પ્રમાણે તેજસ્વી યાદવની આગેવાનીવાળું ગઠબંધન આગળ ચાલી રહ્યું છે. એનડીએની બેઠકો ઓછી જાેવા મળી રહી છે. રુઝાનોના આધારે અંદાજાે લગાવીએ તો મહાગઠબંધન બહુમતી માટેના આંકડા સુધી પહોંચી જશે. મુખ્યમંત્રી નીતીશ કુમારની પાર્ટી જનતા દળ યૂનાઈટેડ (જેડીયૂ)ના પ્રવક્તા કેસી ત્યાગીએ પોતાનો પરાજય સ્વીકારી લીધો છે.

એક ટીવી ચેનલ સાથે વાત કરતા તેમણે કહ્યું કે, અમને તેજસ્વી યાદવે નહીં પરંતુ પ્રાકૃતિક મુશ્કેલીએ હરાવ્યા છે. ન તો બ્રાન્ડ નીતીશ ગાયબ થયા છે અને ન તો તેજસ્વી યાદવ સ્થાપિત થયા છે. નોંધનીય છે કે હજી સુધી ચૂંટણીના પરિણામ જાહેર થયા નથી. એવામાં એનડીએ અને મહાગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. આ મુકાબલો એવો છે કે આમાં પરિણામને લઈને કોઈ પણ અનુમાન લગાવવું એ અત્યંત મુશ્કેલીભર્યું બની ગયું છે.

કેસી ત્યાગીએ કહ્યું કે, અમે બિહારની જનતાના ર્નિણયનું સ્વાગત કરીએ છીએ, અમે આરજેડી અથવા તેજસ્વી યાદવથી નથી હાર્યા પરંતુ રાષ્ટ્રીય મુશ્કેલીના કારણે હાર્યા છીએ. અમે ફક્ત કોરોના વાયરસની મહામારીના કારણે જ તેમના કરતા પાછળ ચાલી રહ્યા છીએ. અમે બિહારના છેલ્લા 70 વર્ષની ખરાબ હાલતનું પરિણામ હજી પણ ભોગવી રહ્યા છીએ.