ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાંથી જીતુ વાઘાણી અને આનંદીબેન બહાર
22, જાન્યુઆરી 2021

ગાંધીનગર, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ગુજરાત ભાજપ દ્વારા પ્રદેશ ચૂંટણી સમિતિની (ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ) જાહેરાત કરવામાં આવી છે. ભાજપના નવા પાર્લામેન્ટરી બોર્ડમાં સીઆર પાટીલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની બાદબાકી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત આરસી ફળદુ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિમાં કુલ ૧૩ સભ્યો છે. આ ઉપરાંત મંગુભાઈ પટેલ અને શંભુ પ્રસાદ ટુંડિયાની પણ બાદબાકી કરવામાં આવી છે. સમિતિમાં સ્થાન પામનારાઓમાં સીઆર પાટીલ (પ્રદેશ પ્રમુખ), વિજય રૂપાણી (મુખ્યમંત્રી), નીતિન પટેલ (નાયબ મુક્યમંત્રી), પુરુષોત્તમ રૂપાલા, આરસી ફળદુ, ભુપેન્દ્રસિંહ ચૂડાસમા, જશવંતસિંહ ભાભોર, ભીખુભાઈ દલસાણિયા, રાજેશ ચૂડાસમા, કાનાજી ઠાકોર, સુરેન્દ્ર પટેલ, કિરીટ સોલંકી, પ્રદેશ પ્રમુખ, મહિલા મોરચો આનંદીબહેન પટેલ રાજ્યપાલ થવાના કારણે કપાયા છે. તો મહિલા મોરચામાં જે પ્રમુખ બનશે તેનો સમાવેશ કરવામાં આવશે. પાર્લામેન્ટરીની નવી ટીમમાં ૫ પટેલ, ૧ કોળી ,૧ ઠાકોર ,૧ દલિત ,૧ ક્ષત્રિય, ૧ આદિવાસી અને એક મહિલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ૧૩ પૈકી ૪ સાંસદનો સમાવેશ થાય છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ ભાજપે તડામાર તૈયારીઓ કરી લીધી છે. અને ભાજપના નવા પ્રદેશ પ્રમુખે ગુજરાત બીજેપીમાં ધડમૂળથી ફેરફાર કર્યા છે. ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ સિવાય ૭ જાન્યુઆરીના રોજ ગુજરાત પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત કરવામાં આવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution