જુનાગઢ- 

નદીમાં કેમિકલયુકત પાણીથી ત્રસ્ત ખેડૂતોએ આજે આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે અને આગામી સમયમાં ઉગ્ર આંદોલન બને તેવી ચીમકી ઉચ્ચારી છે. જેતપુરમાં ચાલતા ડાંઇગ ઉદ્યોગોમાંથી છોડવામાં આવતું કેમિકલયુક્ત પાણી જૂનાગઢ જિલ્લાના ૩૦થી વધુ ગામોને અસર કરી રહ્યું છે. ખાસ કરીને ઉબેણ નદીમાં આ કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતા ૨૦ ગામોમાં પાણી દૂષિત થઈ રહ્યું છે. તેમજ લાલ પાણીને પ્રદૂષિત પાણીથી ખેતીને નુકસાન થઈ રહ્યું છે. તેમજ માનવજીવન ઉપર પણ જાેખમ વધી રહ્યું છે અવાર નવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતા આજે નાછૂટકે ધંધુસર ગામે ખેડૂત સંમેલન યોજાયું હતું.

જૂનાગઢના ધંધુસર ગામે આજે મોટી સંખ્યામાં ખેડૂતોએ એકઠા થયા હતા. ઉબેણ નદીમાં કેમિકલ યુક્ત પાણીથી માલપુર તેમજ ખેતીને મોટે પાયે નુકસાન થઈ રહ્યું છે. જેથી ધંધુસર ગામના ખેડૂતો હેરાન પરેશાન થઇ ચૂક્યા છે. આ અસર માત્ર એક ગામ પુરતી સીમિત નહીં પરંતુ નદીના કાંઠા ઉપર વસતા તમામ કામોમાં જાેવા મળી રહી છે અને આગામી દિવસોમાં જાે સરકાર દ્વારા કેમિકલયુક્ત પાણી બંધ કરવામાં નહીં આવે તો ખેડૂતના સ્વભાવ મુજબ આંદોલનની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી છે.

આજે ધંધુસર ગામે ખેડૂત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ ખેડૂતોનું સંમેલન યોજાયું હતું અને આગામી સમયમાં ધંધુસર ગામથી લઇને લાલ પાણી છોડવામાં આવે છે ત્યાં સુધીનું આંદોલન તમામ ગામોમાં પહોંચે તે રીતે રણનીતિ નક્કી કરવામાં આવી છે. આગામી સમયમાં માનવસાંકળ તેમજ પદયાત્રા કરીને આંદોલનને ઉગ્ર બનાવવામાં આવશે તેમ જ દરેક ગામડાઓમાં ઉબેણ નદી બચાવો સમિતિ બનાવવામાં આવશે તવું ખેડૂતોએ જણાવ્યું હતું. આમ જેતપુરના ડાયલોગોની અસર જુનાગઢ સુધી પહોંચી છે અને આજૂબાજૂના ગામડાઓનું પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે. આગામી સમયમાં તેને બંધ કરવામાં નહિ આવે તો ખેતી બંજર બનતી જશે.